જામનગર: શિક્ષકોના પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે ગાંધીનગર ખાતે બેઠક
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ સંઘના આગેવાનોની શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ મિલિંદ તોરવણે, પ્રાથમિક શિક્ષણ નિયામક ત્રિવેદી તથા એસએસએ અને જીસીઈઆરટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શિક્ષકો અને શૈક્ષણિક વ્યવસ્થાને લગતા લાંબા સમયથી પડતર ૨૯ જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત અને સમીક્ષા કરવામાં આવી હતી.
સંઘ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નોમાં નગર પ્રાથમિક શિક્ષકોને જૂથ વીમા યોજનાનો લાભ, પેન્શનની પ્રક્રિયા એક જગ્યાએથી કરવા, PPAN/CPF વિસંગતતા, NPS ફેમિલી પેન્શન, ઙખઉંઅઢનો લાભ, ફિક્સ પગારની સેવા ગ્રેચ્યુઈટીમાં ગણવા, ઉચ્ચતર પગારધોરણના એરીયર્સ, HRA/CLA, કેન્દ્રના ધોરણે HRA, મહાનગરપાલિકા શિક્ષકોને ૧૦૦% ગ્રાન્ટ, HTAT બઢતી, શાળા સહાયકની ભરતી, વ્યાયામ શિક્ષકોની નિયમિત ભરતી, CET તથા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિમાં સમાનતા, જિલ્લા શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીની જગ્યાઓ ભરવા, પગાર રક્ષણ અને સળંગ સેવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુણોત્સવના મૂલ્યાંકન માળખામાં સુધારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને MIS કો-ઓર્ડિનેટર તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની ફાળવણી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવવા માટે સંઘ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ શૈક્ષણિક મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી તથા આગળની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. કેટલાક પ્રશ્નો નીતિગત નિર્ણય તથા નાણા વિભાગના પરામર્શને આધીન હોવાનું જણાવાયું, જ્યારે કેટલાક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવાયું હતું. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના તબક્કાવાર અને હકારાત્મક ઉકેલ માટે સરકાર તથા સંબંધિત અધિકારીઓ સાથે સતત સંકલન અને રજૂઆત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.