↵જામનગરની પ્રતિષ્ઠિત પેઢી મેહતા ડેવલોપર્સના પાર્ટનરને ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા તથા દંડ
જામનગરમાં રહેતા અનિલભાઈ રાજપાલ નામના આસામી પાસેથી મેહતા ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર હરેન્દ્ર ચમનલાલ મેહતા દ્વારા તેમના ધંધા માટે સને - ૨૦૨૩ માં નાણાંકીય જરૂરીયાત ઉત્પન્ન થતા રૂ. ૨,૭૫,૦૦૦ હાથ ઉછીના માંગવામાં આવેલ. જે અનિલભાઈ દ્વારા રોકડા આપવામાં આવેલ. રકમ સ્વીકારતી વખતે હરેન્દ્રભાઈ મેહતા દ્વારા આ રકમ મળ્યા અંગે તેમના મેહતા ડેવલોપર્સના લેટર પેડ ઉપર લખાણ કરી આપવામાં આવેલ અને પાર્ટનર દરજ્જે સહી સિક્કા કરી આપવામાં આવેલ તથા રકમની પરત ચુકવણી માટે રૂ.૨,૭૫,૦૦૦ નો ધી જુનાગઢ કોમર્શિયલ કો-ઓ બેંક લી. જામનગર બ્રાન્ચનો ચેક લખી આપવામાં આવેલ. ત્યારબાદ ફરિયાદી દ્વારા ચેક બેંકમાં ક્લીયરમાં નાખતા ચેક ફંડ ઇન્સફીશીયન્ટ ના શેરા સાથે પરત ફરેલ. ત્યારબાદ ફરિયાદી દ્વારા કાયદા મુજબ નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને મળી ગયા પછી પણ આરોપી દ્વારા ચેક મુજબની રકમ ચુકવવામાં ન આવતા આરોપી પેઢી તથા હરેન્દ્ર ચમનલાલ મેહતા પેઢીના ભાગીદાર સામે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ - ૧૩૮, ૧૪૧ તથા ૧૪૨ મુજબ જામનગર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ.
ફરિયાદ ચાલી જતા ફરીયાદીની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને આરોપી દ્વારા જે જે ખોટા બચાવો લેવામાં આવેલ હતા તેનું ફરીયાદી દ્વારા ખંડન કરવામાં આવેલ અને આરોપીએ જે ચેક આપેલ છે તે ચેક આરોપી દ્વારા ફરીયાદી પાસેથી ઉછીની લીધેલ રકમની પરત ચુકવણી માટે આપવામાં આવેલ તે સમગ્ર હકીકત સાબીત કરી દેવામાં આવેલ. ત્યારબાદ કેસની આખરી સુનાવણીમાં ફરીયાદી તરફે કાયદાકીય મુદ્દાઓની વિસ્તૃત છણાવટ તથા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકી આરોપીને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ વધારેમાં વધારે ૨ વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૨,૭૫,૦૦૦ નો દંડ કરવા અરજ કરવામાં આવેલ.
જે બાદ કોર્ટ દ્વારા આખરી હુકમમાં આરોપીને તકસીરવાન ઠરાવી, આરોપીને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૨,૭૫,૦૦૦ ફરીયાદીને વળતર સ્વરૂપે ૬૦ દિવસમાં ચુકવી આપવા તથા જો આરોપી દંડની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.