BREAKING NEWS

જામનગરમાં ૧૪ હજારની ડીજીટલ લાંચ લેતા વચેટીયો અને સબ ઓડીટર પકડાયા, એક ફરાર

  • July 30, 2026 08:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૧૪ હજારની ડીજીટલ લાંચ લેતા વચેટીયો અને સબ ઓડીટર પકડાયા, એક ફરાર

જામનગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂ. ૧૪ હજારની લાંચ માંગવાના કેસમાં એક વચેટીયો અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના સબ ઓડીટરને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે સહકારી મંડળીના એક ઓડીટરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

એ.સી.બી.ની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના નાણા ધીરધારના લાયસન્સના રિન્યૂઅલ માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી. લાયસન્સ રિન્યૂ કરી આપવા માટે પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયાએ ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈ વતી રૂ. ૧૪,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી જ્યારે ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવાને મળ્યા ત્યારે તેમણે લાંચની રકમ નીલેષભાઈ છાપીયાને આપી દેવા જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ફરીયાદીના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.

ટ્રેપ દરમિયાન નીલેષભાઈ છાપીયાએ લાંચની રકમ રોકડને બદલે ગુગલ પે મારફતે પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને ફરીયાદીએ ગુગલ પે દ્વારા ૧૪ હજાર ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળ્યાની પુષ્ટિ થયા બાદ લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા અંગે આરોપીઓ વચ્ચે વાતચીત પણ થઈ હોવાનું એ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું છે.
​​​​​​​

આ કેસમાં પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવા મળી આવ્યા ન હોવાથી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.
ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ અધિકારી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application