BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પંથકમાં માવઠા સાથે ફુંકાયેલા મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ

  • November 03, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પંથકમાં માવઠા સાથે ફુંકાયેલા મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ

૨૦૦ જેટલા વીજ થાંભલા ધરાશાયી: વીજતંત્રને લાખોનું નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદ સાથે ફૂંકાયેલા તોફાની પવને ભારે તારાજી સર્જી છે. કલ્યાણપુર તાલુકાના રાજપરા, ખાખરડા, દુધિયા, ચૂર, ચપર અને ભોપલકા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્રણથી ચાર ઈંચ જેટલા ભારે વરસાદ સાથે મિની વાવાઝોડા જેવો ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. આ કુદરતી પ્રકોપને કારણે સમગ્ર પંથકમાં મોટું નુકસાન નોંધાયું છે, જેમાં ખાસ કરીને વીજતંત્રને ભારે ફટકો પડ્યો છે.

અતિ તીવ્ર ગતિએ ફૂંકાયેલા સુસવાટા મારતા પવનને કારણે જુદા જુદા વિસ્તારોમાં અંદાજે ૨૦૦ જેટલા વીજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા, જ્યારે પવનનું જોર એટલું પ્રચંડ હતું કે કેટલાક થાંભલા વચ્ચેથી તૂટીને વળી ગયા હતા. વીજ થાંભલાઓની સાથે હાઈટેન્શન અને લોકલ વીજ લાઈનો પણ તૂટી પડી હતી તેમજ પવનના વેગથી દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. વાયરો તૂટી પડવાના કારણે શોર્ટ સર્કિટ થતાં અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા, જેના પગલે વીજ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ દુર્ઘટનાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બે દિવસ સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

તોફાની પવનની અસર ખેતી અને ગ્રામીણ જનજીવન પર પણ ગંભીર રીતે જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનો પર લગાવેલા પતરા અને નળિયાં કાગળની જેમ ઉડી ગયા હતા. ખેતરોના શેઢા પર વર્ષો જૂના અડીખમ ઊભેલા ઘટાદાર વૃક્ષો પણ જડમૂળમાંથી ઉખડી પડ્યા હતા, જ્યારે અસંખ્ય વૃક્ષોની ડાળીઓ તૂટીને માર્ગો પર પટકાઈ હતી. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તૂટેલા પોલ બદલવા, નવા થાંભલા ઊભા કરવા અને નવી વીજ લાઈનો પાથરવા માટેની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application