BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા ખાતે સુનામી આફતમાં બચાવ અર્થે મોકડ્રીલ યોજાઈ

  • November 06, 2026 11:27 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા ખાતે સુનામી આફતમાં બચાવ અર્થે મોકડ્રીલ યોજાઈ

સુનામી વોર્નિંગ સાથે શહેરના હાઈરિસ્ક વિસ્તારમાંથી ૯૦૦ કરતા વધારે વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૪/૧૧/૨૦૨૬ના રોજ સુનામી જેવી સંભવિત કુદરતી આપત્તિ સામેની પૂર્વતૈયારીની ચકાસણીના ભાગરૂપે ઓખા બંદર ખાતે સુનામી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ઓખા બંદરની નિર્ધારિત SOP મુજબ વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓની કામગીરી, પરસ્પર સંકલન, સંદેશાવ્યવહારની વ્યવસ્થા, ઉપલબ્ધ માનવબળ અને સંસાધનોનો ઉપયોગ તથા હાઈરિસ્ક વિસ્તારમાંથી નાગરિકોના સમયસર સ્થળાંતરની વ્યવસ્થાની વાસ્તવિક ચકાસણી કરવાનો હતો. સાથે જ સ્થળાંતર કામગીરીમાં લાગતા સમયમાં ઘટાડો કરવા તથા ગ્રાઉન્ડ લેવલ પર રહેલી ખામીઓની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો પણ હેતુ હતો.

મોકડ્રીલ દરમિયાન INCOIS (Indian National Centre for Ocean Information Services) તરફથી સુનામી સંબંધિત બુલેટિન તથા SEOC (State Emergency Operations Centre) તરફથી મળેલા સંદેશાઓના આધારે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત સમયપત્રક મુજબ સવારે ૧૦ થી ૧ દરમ્યાન મોકડ્રીલ કરવામાં આવી હતી.  પ્રાપ્ત થયેલા સંદેશાઓના આધારે સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રાઉન્ડ લેવલ સુધી સૂચનાઓનું પ્રસારણ કરી SOP મુજબ સ્થળાંતર, સુરક્ષા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઓખા બંદરના નવીનગરી વિસ્તારમાં સુનામીની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકિનારાથી અંદાજે ૧૦૦ મીટરથી ૧.૫ કિ.મી.ની અંદરના હાઈરિસ્ક વિસ્તારમાંથી કુલ ૯૪૫ વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને જલારામ હોલ ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યારે કુલ ૫૦ પશુઓને નગરપાલિકા શાળા ખાતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ, પોલીસ, ઓખા નગરપાલિકા, આર્મી, બી..એસ.એફ, સી.આઈ.એસ.એફ., આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, ફાયર વિભાગ, પરિવહન, વીજ વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લગત કાર્યવાહી કરવામાં આવી હતી.  મોકડ્રીલની પૂર્ણ થયા બાદ બપોરે ૧૩:૦૦ કલાકે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ડી-બ્રીફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંબંધિત વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા તથા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application