રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીની ગુણવત્તા પર દેખરેખ વધુ સુદ્રઢ, પરીક્ષણોમાં 100% સંતોષકારક પરિણામ
27 ઓગસ્ટથી 23 ઓક્ટોબર 2026 સુધી ડિવિઝનના તમામ 53 સ્ટેશનો, 51 રેલવે કોલોનીઓ, 10 RPF બેરેક તેમજ 6 રનિંગ રૂમમાં કરાઈ સઘન તપાસ; તમામ નમૂના નિર્ધારિત ધોરણો પર ખરા ઊતર્યા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોના કલ્યાણ અને જાહેર આરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં રેલવે સ્ટેશનો તેમજ રેલવે કોલોનીઓ સહિત વિવિધ રેલવે પરિસરોમાં પીવાના પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખવાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 27 ઓગસ્ટથી 23 ઓક્ટોબર 2026 સુધીના સમયગાળા દરમિયાન ડિવિઝનના તબીબી વિભાગ દ્વારા કરવામાં આવેલા પીવાના પાણીની ગુણવત્તાના પરીક્ષણોમાં 100% સંતોષકારક પરિણામ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન તપાસવામાં આવેલા તમામ નમૂના નિર્ધારિત ગુણવત્તાના ધોરણોને અનુરૂપ જણાયા હતા, જે મુસાફરો અને રેલવે કર્મચારીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની દિશામાં ડિવિઝનના સતત પ્રયાસો દર્શાવે છે.
આ વ્યાપક દેખરેખ અભિયાન રાજકોટ ડિવિઝનના તમામ 53 રેલવે સ્ટેશનો, 8 મેજર તેમજ 43 માઇનર રેલવે કોલોનીઓ, 10 રેલવે સુરક્ષા દળ (RPF) બેરેક તથા લોકો પાઇલટ અને ટ્રેન મેનેજરો (ગાર્ડ) માટે કાર્યરત 6 રનિંગ રૂમમાં ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત આ તમામ પરિસરોમાંથી પીવાના પાણીના નિયમિત નમૂના એકત્ર કરીને તેમની વિગતવાર ગુણવત્તા ચકાસણી સુનિશ્ચિત કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત પીવાના પાણીના જંતુમુક્તિકરણની અસરકારકતા ચકાસવા માટે કરાયેલા તમામ 962 રેસિડ્યુઅલ ક્લોરિન પરીક્ષણો સંપૂર્ણપણે સંતોષકારક જણાયા હતા. આ જ રીતે, પીવાના પાણીની જીવાણુ સંબંધિત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા તમામ 262 બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણોના પરિણામો પણ નિર્ધારિત ધોરણો અનુસાર રહ્યા હતા. આમ, બંને શ્રેણીઓમાં શત-પ્રતિશત (100%) સફળતા દર નોંધાયો હતો.
રેસિડ્યુઅલ ક્લોરિન અને બેક્ટેરિયોલોજિકલ વિશ્લેષણ પીવાના પાણીમાં સંભવિત દૂષણના જોખમોની સમયસર ઓળખ કરવા અને અસરકારક જળ શુદ્ધિકરણ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિદ્ધિ નિયમિત સેમ્પલિંગ, સમયબદ્ધ પ્રયોગશાળા તપાસ અને સંબંધિત વિભાગોના સંકલિત પ્રયાસોનું પરિણામ છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “મુસાફરો અને રેલવે કર્મચારીઓને શુદ્ધ તેમજ સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે. નિયમિત પરીક્ષણ અને સુદ્રઢ દેખરેખ વ્યવસ્થા દ્વારા અમે પાણીની શુદ્ધતા સતત જાળવી રહ્યા છીએ. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ મુસાફરોની સુવિધાઓ તેમજ જાહેર આરોગ્યના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.”