BREAKING NEWS

કેન્સરનો દૈત્ય : જામનગરમાં રોજના સરેરાશ ૪ કેસ

  • December 25, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં કેન્સરરૂપી દૈત્યનો કહેર વધી રહ્યો છે. કારણ કે, શહેર-જિલ્લામાં પોણા પાંચ વર્ષમાં બ્રેસ્ટ, સર્વાઇકલ, ફેંફસા, મોં અને પેટ સહીત અન્ય કેન્સરના અધધ..૭૩૭૬ કેસ એટલે કે રોજના સરેરાશ ૪ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. મહીલા કરતા પુરૂષમાં કેન્સરનું ૧૭.૨૭ ટકા વધુ પ્રમાણ નોંધાયું છેે. જે ખરેખર ચિંતાજનક છે. કેન્સરના વધતા કેસ સ્વસ્થ સમાજ માટે ગંભીર ખતરો બન્યો છે. બીજી બાજુ જીવલેણ રોગ અંગે લોકમાં જાગૃતિ આવે તે માટે કરવામાં આવતી કામગીરી અને કાર્યક્રમો સામે સવાલ ઉઠ્યા છે. અતિવ્યસ્ત જીવનશૈલીમાં કેન્સરથી જીવન કેન્સલ ન થાય તે માટે સાવચેતી એ જરૂરી નહીં પણ ફરજીયાત બની છે.


વર્તમાન સમયમાં માનવીનું જીવત અતિવ્યસ્ત અને સતત ભાગદોડ ભરેલું બન્યું છે. જેના કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને કુટેવ જીવલેણ બિમારી નોતરી રહી છે. જે પૈકીની એક બિમારી એટલે કેન્સર. જામનગર શહેર-જિલ્લામાં કેન્સરના કેસનું પ્રમાણ દિન-પ્રતિદિન ઉતરોતર વધી રહ્યું છે. કારણ કે, સરકારના આરોગ્ય વિભાગના સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલીજન્સ પોર્ટલ પર શહેર-જિલ્લામાં છેલ્લાં પોણા પાંચ વર્ષમાં જુદા-જુદા કેન્સરના મળી કુલ ૭૩૭૬ કેસ નોંધાયા છે. એટલે કે, રોજના સરેરાશ ૪ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. જે ખૂબજ ચિંતાજનક બાબત છે. જેમાં મહીલાઓમાં બ્રેસ્ટ કેન્સરના ૧૦૩૬ અને સર્વાઇકલ કેન્સરના ૨૬૫ કેસ, મહીલા અને પુરૂષમાં ફેફસાના કેન્સરના ૬૨૦, મોઢાના કેન્સરના ૨૮૩૪ અને પેટ સહીત અન્ય કેન્સરના ૨૬૨૧ કેસનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેન્સરના કેસ મહીલા કરતા પુરૂષમાં વધુ જોવા મળ્યા છે. પોણા પાંચ વર્ષમાં કુલ ૩૦૫૧ મહીલા અને ૪૩૨૫ પુરૂષને કેન્સર થયાનું નોંધાયું છે. આમ મહીલા કરતા પુરૂષમાં કેન્સર થવાનું પ્રમાણ ૧૭.૨૭ ટકા વધુ છે. 


બ્રેસ્ટ(છાતી) અને સર્વાઇકલ(ગર્ભાશયના મુખ)નું કેન્સર કે જે ફકત મહીલાઓને થાય છે. ત્યારે આ કેસનું પ્રમાણ મહીલાઓમાં ખૂબજ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કારણ કે, વર્ષ ૨૦૨૪-૨૫માં આ કેસની સંખ્યા ૨૧૧ હતી. જયારે ચાલુ વર્ષે ફકત ૮ મહીનામાં શહેર-જિલ્લામાં ૧૪૧ કેસ નોંધાયા છે. આ જ રીતે સર્વાઇકલ કેન્સરના કેસ પણ ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. કારણ કે, પોણા પાંચ વર્ષમાં ઉતરોતર સતત વધારો નોંધાઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૭ મહીલાઓને આ કેન્સર થયાનું નોંધાયું હતું. જયારે ચાલુ વર્ષે ફકત ૮ મહીનામાં ૫૧ કેસ નોંધાયા છે.


તદઉપરાંત મોંઢાના કેન્સરનું પ્રમાણ પુરૂષોમાં વઘ્યું છે. પોણા પાંચ વર્ષમાં શહેર-જિલ્લામાં ૨૧૯૬ પુરૂષ અને ૬૩૮ મહીલાને આ બિમારી થયાનું નોંધાયું છે. જયારે પેટ સહીત અન્ય અવયવોનું ૧૬૩૯ પુુરૂષ અને ૯૮૨ મહીલાઓને કેન્સર થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. ફેંફસા, મોઢા અને અન્ય અવયવના કેન્સરનું પ્રમાણ મહીલા કરતા પુરૂષોમાં વઘ્યું છે. મહીલા અને પુરૂષોમાં કેન્સરનું વધતું પ્રમાણ સ્વસ્થ સમાજ માટે ગંભીર ખતરો બન્યું છે. બીજી બાજુ જેટ ગતિએ વધતા કેન્સરના કેસ પર નિયંત્રણ એ તંત્ર માટે ખૂબજ પડકારરૂપ બન્યું છે. જો કે, કેન્સર અંગે લોકજાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અને કાર્યક્રમો સામે પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે કેન્સરથી જીવન કેન્સલ ન થાય તે માટે સાવચેતી રાખવી એ દરેક લોકો માટે જરૂરી નહીં પરંતુ ફરજીયાત બની છે. 



મહીલા અને પુરૂષને કેન્સર થવાના મુખ્ય કારણ, તકેદારી જરૂરી નહીં ફરજીયાત

--બ્રેસ્ટ કેન્સર: આ કેન્સર મહીલાઓને થાય છે. હોર્મોનલ ઇનબેલેન્સ એટલે કે આંતર સ્ત્રાવની અનિયમિતતા, વધુ ચરબીવાળો ખોરાક, અનિયમિત જીવનશૈલી આ કેન્સર થવાના મુખ્ય કારણો છે. આ કેન્સર વારસાગત પણ છે. 

--સર્વાઇકલ કેન્સર: ગર્ભાશયના મુખનું કેન્સર મહીલાઓને થાય છે. ખૂબજ વહેલા લગ્ન, વારંવાર ચેપ એટલે કે વાયરલ ઇન્ફેકશન થવું, એકથી વધુ સ્લીપીંગ પાર્ટનરના આ કેન્સર થવાના મુખ્ય કારણ છે. અમુક ચોકકસ કોમ્યુનીટીમાં આ બિમારી વધુ જોવા મળે છે.

--ફેંફસાનું કેન્સર: આ કેન્સર મહીલા અને પુરૂષ બંનેને થાય છે. સીગારેટનું સ્મોકીંગ, તમ્બાકુના કારણે આ બિમારી થાય છે. હવા પ્રદૂષણના કારણે પણ આ કેન્સર થતું હોવાનું તબીબોએ જણાવ્યું છે. ગામડામાં ચૂલાના ધુમાડાના કારણે આ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

--મોઢાનું કેન્સર: આ કેન્સર મહીલા અને પુરૂષ બંનેને થાય છે. તમાકુનું વ્યસન, સ્મોકીંગ, બજરની કુટેવ મુુખ્ય કારણ છે. તદઉપરાંત દાંતની નિયમિત અને અપૂરતી સફાઇ ન કરવામાં આવતા પણ આ બિમારી થાય છે.

--અન્ય કેન્સર: પેટ, આંતરડા સહીત અન્ય કેન્સર મહીલા અને પુરૂષને થાય છે. મરી,મસાલા સહીતના તેજાનાવાળો ખોરાક, સ્મોકીંગ(ધ્રુમપાન) અને કેમીકલયુકત શાકભાજી, ફળ સહીતના ખોરાકના કારણે આ બિમારી થાય છે.​​​​​​​

​​​​​​​

જામનગર શહેર-જિલ્લામાં નોંધાયેલા જુદા-જુદા કેન્સરના દર્દી(સીબીએચઆઇનો રિપોર્ટ)

વર્ષ:     બ્રેસ્ટ    સર્વાઇકલ    ફેંફસા    ઓરલ    અન્ય    કુલ
૨૦૨૧-૨૨    ૨૧૯    ૪૭    ૧૩૩    ૮૨૮    ૪૩૪    ૧૬૬૧
૨૦૨૨-૨૩    ૨૨૫    ૪૩    ૧૧૨    ૬૧૦    ૪૧૬    ૧૪૦૬
૨૦૨૩-૨૪    ૨૪૦    ૬૭    ૧૮૪    ૫૪૨    ૭૦૩    ૧૭૩૬
૨૦૨૪-૨૫    ૨૧૧    ૫૭    ૯૬    ૫૮૫    ૬૮૫    ૧૬૩૪
૨૦૨૫-૨૬(નવે.)    ૧૪૧    ૫૧    ૯૫    ૨૬૯    ૩૮૩    ૯૩૯​​​​​​​


ફેંફસા, મો અને અન્ય કેન્સરનું પ્રમાણ પુરૂષમાં વધુ 

જામનગર શહેર-જિલ્લામાં ફેંફસા, મો અને અન્ય કેન્સરનું પ્રમાણ મહીલા કરતા પુરૂષમાં વધુ નોંધાયું છે. જેની પાછળ મુખ્યત્વે સ્મોકીંગ સહીતની કુટેવ,અનિયમિત જીવનશૈલી કારણભૂત હોવાનું તબીબોએ જણાવ્યું છે. કારણ કે, વર્ષ ૨૦૨૧-૨૨થી ચાલુ વર્ષે નવેમ્બર મહીના સુધીમાં એટલે કે પોણા પાંચ વર્ષમાં ૪૯૦ પુરૂષ  અને ૧૩૦ મહીલાઓને ફેંફસા, ૨૧૯૬ પુરૂષ અને ૬૩૮ મહીલાને મોઢાનું અને ૧૬૩૯ પુરૂષ અને ૯૮૨ મહીલાઓને પેટ, આંતરડા સહીત અન્ય અવયવાના કેન્સર થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. 


પોણા પાંચ વર્ષમાં કેન્સરથી ૨૮ લોકોના મોત

જામનગર શહેર-જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨થી ચાલુ વર્ષે નવેમ્બર મહીના સુધીમાં કેન્સરની બિમારીથી ૨૮ લોકોના મૃત્યુ થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી ૭ મહીલા, ફેંફસાના કેન્સરથી ૮ પુરૂષ, મોઢાના કેન્સરની ૭ પુરૂષ અને પેટ, આંતરડા સહીત અન્ય કેન્સરથી ૪ પુરૂષ અને ૧ મહીલાના મૃત્યુનો સમાવેશ થાય છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૧-૨૨ માં શહેર-જિલ્લામાં કેન્સરથી ૧૫ લોકોના મૃત્યુ નિપજયા હતાં. જો કે ત્યારબાદ કેન્સરથી મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application