BREAKING NEWS

ખંભાળિયામાં વર્ષો જૂના કોર્ટ કેસનો અંત આવતા પાલિકાનું બુલડોઝર

  • June 04, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં વર્ષો જૂના કોર્ટ કેસનો અંત આવતા પાલિકાનું બુલડોઝર
 
પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને નડતરરૂપ ૩ મકાનોના ગેરકાયદે દબાણો તોડી પડાયા: વિરોધ વચ્ચે પણ તંત્રની કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ગઈકાલે નગરપાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક અને રસ્તાને ભારે નડતરરૂપ એવા ગેરકાયદેસર બાંધકામો સામે એક મોટી અને કડક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં લાંબા સમયથી ઉભા થયેલા ત્રણ આસામીઓના ગેરકાયદેસર મકાનો અને દબાણો પર પાલિકાના બુલડોઝરે સપાટો બોલાવ્યો હતો. ચુસ્ત પોલીસ સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ત્રણેય બાંધકામોને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

આ ડિમોલિશનની વિગતો આપતા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે જણાવ્યું હતું કે, સ્ટેશન રોડ પર આવેલા આ ત્રણ દબાણો હટાવવા માટે પાલિકા દ્વારા અગાઉ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે વર્ષ ૨૦૧૨થી કોર્ટ કેસ ચાલી રહ્યા હતા. પાલિકા દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવતા તેઓ કાયદાકીય શરણ લઈ કોર્ટમાં ગયા હતા, જેના કારણે છેલ્લા ૧૪ વર્ષ જેટલા લાંબા સમયથી આ દબાણ હટાવવાની કામગીરી અટકી પડી હતી અને રસ્તો સાંકડો રહેતા વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

જોકે, તાજેતરમાં જ આ આસામીઓનો કોર્ટ સ્ટે ઉઠી ગયો હતો અને અદાલત તરફથી દબાણ દૂર કરવાની સ્પષ્ટ પરવાનગી મળી ગઈ હતી. કાયદાકીય લીલી ઝંડી મળતા જ પાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને રસ્તાના વિકાસને અવરોધતા આ દબાણો દૂર કરવા માટે ગઈકાલે સવારે જેસીબી મશીનો અને સ્ટાફ સાથે કાફલો ઘટનાસ્થળે ઉતારી દીધો હતો.

પાલિકાની આ ઓચંતી કાર્યવાહીને પગલે સ્ટેશન રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિકો અને આસામીઓ દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને હોબાળો મચાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ નગરપાલિકાના અધિકારીઓએ તમામ વિરોધ વચ્ચે પણ નિયમ મુજબ જ કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી હતી. 

કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસના ચુસ્ત પહેરા હેઠળ ત્રણેય ગેરકાયદેસર આસામીઓના દબાણોને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેવાયા હતા. પાલિકાની આ આકરી કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પેશકદમી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application