BREAKING NEWS

જામનગરના સેતાવાડમાં આધેડની હત્યામાં આરોપીઓ હાથવેતમાં

  • August 31, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સેતાવાડમાં આધેડની હત્યામાં આરોપીઓ હાથવેતમાં

છોકરાઓને રમવા દેતા નથી એ બાબતે બબાલ : ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું 

જામનગરના સેતાવાડ વિસ્તારમાં શનિવારે મોડી સાંજે શેરીમાં છોકરાઓને કેમ રમવા દેતા નથી એ મામલે થયેલી સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બન્યો હતો અને આધેડ પર ધોકા વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, આ અંગે અહી રહેતા માતા-પુત્ર સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ લંબાવીને આરોપીઓ હાથવેતમાં હોવાનું જણાવ્યુ છે.

જામનગરના સેતાવડ વિસ્તારમાં રહેતા ઘાણીના ધંધાર્થી ઇબ્રાહીમભાઇ સીદીકભાઇ ચાકી (ઉ.વ.૫૭) નામના આધેડ પર શનિવારે મોડી સાંજે માથાકુટમાં ધોકો મારી પછાડી દેતા તેમનું સારવાર પુર્વે મૃત્યુ નિપજયુ હતું, આ અંગેની જાણ થતા સીટી-એ ડીવીઝન પીઆઇ વી.એમ. ડોડીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક ટીમ જી.જી. હોસ્પીટલ ખાતે પહોચી હતી દરમ્યાનમાં બનાવ સબંધે પ્રાથમિક વિગતો જાણી હતી.

મરણજનાર ચાકી સમાજના પ્રમુખ હોવાનું અને નજીવી બાબતે બબાલમાં ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું, બીજી બાજુ આ મામલે તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા, દરમ્યાન સેતાવાડ ડેલા સામે ગીગા મહેતાની શેરી ગલી વિસ્તારમાં રહેતા સાદીક ઇબ્રાહીમભાઇ ચાકી (ઉ.વ.૩૭) ધંધો તેલની ઘાણીનો વેપારવાળાએ સીટી-એ ડીવીઝનમાં સેતાવાડમાં રહેતા અમન અસલમ ઘાંચી અને હવાબેન અસલમભાઇ ઘાંચીની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧), ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. 

જેમાં જણાવ્યુ હતું કે તા. ૨૯ના ફરીયાદીનો ભત્રીજો તેના ઘર આગળ રમતો હોય ત્યારે હવાબેને તેના ઉપર મરચાની ભુકી ઉડાડી બોલાચાલી કરતા હોય દરમ્યાનમાં ઇબ્રાહીમભાઇ ત્યા આવી પહોચ્યા હતા આ વેળાએ હવાબેનને કહેલ કે તમે નાના છોકરાઓને કેમ રમવા દેતા નથી, હેરાન કરો છો. આથી તેણીએ કહેલ કે હું તો હેરાન કરવાની જ છું તેમ કહીને ઇબ્રાહીમભાઇ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.

એ વખતે આરોપી અમન ઘાંચી આવી જતા હવાબેને અમનને કહેલ કે આને પુરો કરી દે... તેમ કહેતા અમને લાકડાના ધોકા વડે ઇબ્રાહીમભાઇ પર હુમલો કરી માથાના પાછળના ભાગે એક ઘા ઝીંકી દેતા આધેડ નીચે પડી ગયા હતા અને મૃત્યુ નિપજયુ હતું આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી આ ફરીયાદના આધારે પોલીસ તપાસ લંબાવી હતી અને આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application