ખંભાળીયામાં પિતાના લાયસન્સવાળા હથિયાર સાથે ફોટો-વિડિયો વાયરલ કરનારની અટક
જામખંભાળીયા વિસ્તારમાં પિતાના લાયસન્સવાળા હથિયાર સાથે ફોટો-વિડિયો બનાવી સોશ્યલ મિડીયામાં રોફ જમાવતા પુત્રને એસઓજીએ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દ્વારકા એસપી જયરાજસિંહ વાળાની સુચના અનુસાર એસઓજી પીઆઇ વી.એ. રાણા અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને ગત તા. ૨૭-૮-૨૬ના રોજ એએસઆઇ ઇરફાનભાઇ તથા વિરેન્દ્રસિંહ, હેડ કોન્સ પબુભાઇ સહિતનો સ્ટાફ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે ખંભાળીયામાં રહેતા અનિલ રામજી કછટીયા નામનો ઇસમ કોઇ હથિયાર પરવાનો ધરાવતો ન હોય તેમ છતા તેણે તેના પિતા રામજીભાઇ વશરામભાઇ કછટીયાનું પાક રક્ષણ પરવાનાવાળુ હથિયારના ફોટા પડાવી વિડીયો બનાવી પોતાના સોશ્યલ મિડીયા એકાઉન્ટમાં અપલોડ કરેલ છે જે વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે.
આ હકીકત આધારે જરી કાર્યવાહી કરી ટેકનીકલ ખરાઇ કરી, ફોટા દ્વારા વિડિયો અપલોડ થયેલ જોવા મળેલ જેમાં શકિતનગરમાં રહેતો અનિલ કછટીયાને પકડી પુછપરછ કરતા પોતાને હથિયારનો શોખ હોય જેથી તેના પિતા પાસેથી પરવાનાવાળુ બાર બોર હથિયાર લઇ લગ્ન પ્રસંગમાં ખભા પર હથિયાર રાખીને ફોટા પડાવેલ હત એ ફોટા અપલોડ કર્યાની કબુલાત આપી હતી. આમ એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી.