નરેન્દ્ર મોદીએ એક કાંકરે ઘરના જ બે પક્ષી માર્યા: કોને શું નડી ગયું?

  • May 19, 2023 01:29 PM 

આત્યારે ચારે તરફ જેની બોલબાલા છે તે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હોય કે બીજા કોઈ બાબા હોય પણ નરેન્દ્ર મોદીના મનની વાત કોઈ જાણી શકતું નથી તે વધુ એક વખત સાબિત થઇ ગયુ છે. ગામ આખું પ્રધાનમંડળનાં વિસ્તરણની રાહ જોઈ રહ્યું છે અને વડાપ્રધાને રાતોરાત કાયદા મંત્રી કિરણ રીજીજુ અને એસ.પી.સિંહ બઘેલ પાસેથી આ પોર્ટફોલિયો બા-કાયદા આંચકી લઈને તેમને અનુક્રમે ભૂ-વિજ્ઞાન અને આરોગ્ય મંત્રાલયમાં મૂકી દીધા છે. કિરન રીજીજુ અને બઘેલે કાયદા મંત્રાલયમાં કેવા પ્રકારનું વિજ્ઞાન કર્યું હશે કે વડાપ્રધાને આવી રીતે એક કાંકરે બે પક્ષી મારવા પડ્યા છે. જે રીતે મંત્રાલયમાં ફેરફારનો ઓર્ડર થયો તે ચર્ચાનો વિષય છે. આમ થવા પાછળ કારણ જે હોય તે પણ રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે આ બંનેને તેમની જીભ નડી ગઈ છે.
આ અચાનક ફેરબદલ બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય કેમ પાછું ખેંચવામાં આવ્યું? આ પાછળ સરકારનો ઈરાદો શું છે? એવી ચર્ચા છે કે તેમને તેમની વધુ અને ગમે તેમાં વચ્ચે બોલવાની (કુ) ટેવ નડી ગઈ છે.


ગયા જાન્યુઆરીમાં, દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન, કિરેન રિજિજુએ ન્યાયતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ’ન્યાયાધીશોને ચૂંટણી લડવાની અથવા જાહેર વ્યવસ્થાનો સામનો કરવાની જરૂર નથી, તેમ છતાં તેઓ જે નિર્ણયો લ્યે છે તે લોકોની નજરમાં છે’. લોકો તમને જોઈ રહ્યા છે, તમારો ન્યાય કરી રહ્યા છે. તમારા નિર્ણયો, તમે કેવી રીતે ન્યાય કરો છો.લોકો જોઈ શકે છે અને ન્યાય કરી શકે છે અને તેમનો અભિપ્રાય બનાવી શકે છે.
રિજિજુએ કહ્યું કે જો ભારતમાં લોકશાહીને ખીલવવી હોય તો મજબૂત અને સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જરૂરી છે. જોકે રિજિજુએ એમ પણ કહ્યું કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ કોઈ વિવાદ નથી.
તાજેતરમાં માર્ચમાં, કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે ’કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો, જેઓ ભારત વિરોધી ગેંગનો હિસ્સો છે, ભારતની ન્યાયતંત્રને વિરોધી પક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. રિજિજુએ કહ્યું હતું કે ’કેટલાક લોકો કોર્ટમાં પણ જાય છે અને કહે છે કે કૃપા કરીને સરકાર પર લગામ લગાવો, કૃપા કરીને સરકારની નીતિ બદલો. આ લોકો ઇચ્છે છે કે ન્યાયતંત્ર વિરોધ પક્ષની ભૂમિકા ભજવે, જે શક્ય નથી.


કિરેન રિજિજુએ ગત ફેબ્રુઆરીમાં અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં સરકાર વિરુદ્ધ ન્યાયતંત્રના વિચારને નકારી કાઢતા કહ્યું હતું કે ’દેશમાં ન્યાયતંત્ર વિરુદ્ધ સરકાર જેવું કંઈ નથી’. તે લોકો છે જે સરકારને ચૂંટે છે... સર્વોચ્ચ છે અને દેશ ભારતના બંધારણ મુજબ ચાલે છે.
કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને ઘણી વખત તેની ટીકા કરી હતી. કિરણ રિજિજુના નિવેદનને કારણે થોડા મહિના પહેલા ૯૦ નિવૃત્ત અધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો. અધિકારીઓએ પત્રમાં લખ્યું છે કે અનેક પ્રસંગોએ કાયદા પ્રધાને ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ સિસ્ટમ અને ન્યાયિક સ્વતંત્રતા પર આવા નિવેદનો આપ્યા છે, જે સુપ્રીમ કોર્ટ પર હુમલો હોવાનું જણાય છે. પત્રમાં કિરેન રિજિજુના નિવેદનોની નિંદા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ન્યાયિક સ્વતંત્રતા સાથે સમાધાન કરી શકાય નહીં.
વકીલોના એક જૂથે પણ કિરેન રિજિજુના નિવેદનોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રની ટીકા નથી, કે તે રાજદ્રોહની પ્રવૃત્તિ નથી.
કિરન રીજીજુ દેખાવે .ઘણા સજ્જન છે પણ તેમની પાસે કોઈ મંત્રાલય લાંબો સમય ટકતું નથી તે પણ હકીકત છે. ૨૦૧૯માં પહેલીવાર રમતગમત મંત્રી બન્યા પછી તેમને પહેલા લઘુમતી વિભાગ પછી ગૃહ વિભાગ તેમાંથી કાયદા વિભાગના મંત્રી બનાવાયા હતા. હવે આ ખાતું પણ લઇ લેવાયું છે અને તેમને ભૂ-વિજ્ઞાન વિભાગમાં મુકવામાં આવ્યા છે.


આપણે ત્યાં સરકાર અને ન્યાય તંત્ર વચ્ચે વિખવાદ પહેલેથી ચાલ્યો આવે છે. બંનેની હાલત તલવારની ધાર ઉપર ચાલતા હોય એવી છે. અત્યારે પણ ઘણા કિસ્સામાં ન્યાય તંત્ર અને કાનુન મંત્રાલય વચ્ચે ટસલ થઇ છે.સામાન્ય રીતે આવી લડાઈ અંદરોઅંદર શાંત થઈ જતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી આવું નથી થઈ રહ્યું. કિરેન રીજીજુ કોલેજિયમ સિસ્ટમને લઈને ન્યાયતંત્ર પર સતત સવાલો કરી રહ્યા હતા. જાહેરમાં તેઓ ન્યાયતંત્ર અને ન્યાયાધીશોને ટોણા મારતા હતા. જેના કારણે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.
અગાઉ ૨૦૧૮માં પણ ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેની લડાઈ રસ્તા પર આવી ગઈ હતી. ત્યારે દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે રવિશંકર પ્રસાદ કાયદા મંત્રી હતા. બે વર્ષ બાદ તેમને હટાવીને કિરેન રિજિજુને આ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે રિજિજુ પોતે આ અફેરમાં ફસાઈ ગયા હતા. સરકાર ૨૦૨૪ સુધી ન્યાયતંત્ર સાથે કોઈ લડાઈ ઈચ્છતી નથી. શક્ય છે કે તેના કારણે રિજિજુના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યો હોય.


કિરેન રિજિજુ કાયદા મંત્રી રહીને સતત ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતા હતા. બીજી તરફ ન્યાયતંત્ર પણ આ મુદ્દે ગંભીર હતું. છેલ્લા કેટલાક દિવસોમાં સુપ્રીમ કોર્ટના આવા ઘણા નિર્ણયો આવ્યા, જે એક રીતે કેન્દ્ર સરકારની વિરુદ્ધ હતા. આવી સ્થિતિમાં જો રિજિજુ અને ન્યાયતંત્ર વચ્ચેનો આ વિવાદ વધુ ચાલુ રહેશે તો કેન્દ્ર સરકારને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લોકસભાની ચૂંટણી પણ આવતા વર્ષે છે. તેથી શક્ય છે કે સરકાર કોઈ જોખમ લેવા માંગતી ન હોય.


અરુણાચલ પ્રદેશમાં પણ આવતા વર્ષે એપ્રિલમાં જ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે રિજિજુને તેની તૈયારીઓ માટે મુક્ત કરવામાં આવ્યા હોય. કાયદા મંત્રી હોવાના કારણે તેઓ અરુણાચલ પ્રદેશમાં વધુ સમય વિતાવી શક્યા ન હતા. કર્ણાટકમાં હાર બાદ ભાજપ કોઈ નવું જોખમ લેવા માંગતી નથી. રિજિજુને અરુણાચલ પ્રદેશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હોઈ શકે છે.
બીજી તરફ રાજસ્થાનમાં આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે. રિજિજુ બૌદ્ધ ધર્મમાંથી આવે છે અને મેઘવાલ પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે. અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના બિકાનેરથી લોકસભાના સાંસદ છે. તેઓ ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આવી સ્થિતિમાં શક્ય છે કે એક તરફ રિજિજુનું ફોકસ અરુણાચલ પ્રદેશ પર હોય તો બીજી તરફ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મેઘવાલને પ્રમોટ કરીને રાજકીય ફાયદો ઉઠાવવાની આશા રાખી રહ્યું હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application