ITRA, જામનગરના છઠ્ઠા સ્થાપના દિવસે ‘આયુટેક નવોન્મેષ 2026’ અંતર્ગત AI અને આયુર્વેદ પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ
આયુર્વેદ સંશોધન, ઔષધ વિકાસ અને આરોગ્ય સેવાઓમાં AIના જવાબદાર ઉપયોગ અંગે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું ચિંતન-મંથન
જામનગર: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગરના છઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ‘આયુટેક નવોન્મેષ 2026’ના ભાગરૂપે ‘AI અને આયુર્વેદ’ વિષયક રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ચાર સત્રોમાં આયુર્વેદ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વય, સંશોધન તથા ઔષધ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની ભૂમિકા અને આરોગ્ય સેવાઓમાં તેના નૈતિક ઉપયોગ અંગે નિષ્ણાતોએ વિચારો રજૂ કર્યા હતા. પરિષદમાં દેશ-વિદેશના વિદ્વાનો, સંશોધકો, શિક્ષણવિદો અને ટેક્નોલોજી નિષ્ણાતોએ પ્રત્યક્ષ તથા ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો.
AIના ઉપયોગ સાથે નૈતિકતા અને વૈજ્ઞાનિક વિશ્વસનીયતા પર ભાર:
પરિષદમાં આયુર્વેદિક ઔષધોના સંશોધન અને વિકાસ, ગુણવત્તા ખાતરી, ક્લિનિકલ ટ્રાયલ્સ, શિક્ષણ તથા ડિજિટલ આરોગ્ય સેવાઓમાં AIની સંભાવનાઓની ચર્ચા થઈ હતી. સાથે જ ડેટાની ગોપનીયતા, વૈજ્ઞાનિક પુરાવા અને નિયમનકારી પડકારો પર ભાર મૂકાયો હતો.
ITRAનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ જણાવ્યું હતું કે, “ ‘આયુટેક નવોન્મેષ 2026’ આયુર્વેદના ભવિષ્ય માટે નવીનતા અને સહયોગનું મહત્ત્વપૂર્ણ મંચ છે. પરંપરાગત જ્ઞાન અને અદ્યતન ટેક્નોલોજી વચ્ચેના સંવાદથી આયુર્વેદ સંશોધન, શિક્ષણ, ઔષધ વિકાસ અને આરોગ્ય સેવાઓમાં AIના સંભવિત ઉપયોગો સમજવાની તક મળી છે. આ સાથે તેના નૈતિક, વૈજ્ઞાનિક અને વ્યવહારુ પાસાં પર વિચારવિમર્શ પણ થયો છે.”
આયુષ મંત્રાલયના આયુષ ગ્રિડના વિશેષ કાર્ય અધિકારી (OSD) નમન ગોયલે AI અને મશીન લર્નિંગની મૂળભૂત સંકલ્પનાઓ, ડેટા પ્રોસેસિંગ, મૉડલ ટ્રેનિંગ, પરીક્ષણ અને પૂર્વાનુમાનની પ્રક્રિયાઓ સમજાવી હતી. તેમણે આયુષ ગ્રિડ હેઠળ વિકસાવવામાં આવેલા AI આધારિત ચેટબોટ્સ અને ડિજિટલ સાધનોનું પ્રદર્શન કરીને આયુષ સેવાઓમાં તેમની ઉપયોગિતા દર્શાવી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્યાલયના ડિજિટલ હેલ્થ એન્ડ ઇનોવેશન (DHI) વિભાગના AI પ્રમુખ સમીર પુજારીએ પરંપરાગત જ્ઞાનના સંરક્ષણમાં AIની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં AIના ઉપયોગને પ્રોત્સાહન આપવા WHO, આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) અને વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) વચ્ચે 2018થી ચાલી રહેલા સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. પરંપરાગત ચિકિત્સામાં AIના નૈતિક ઉપયોગ, ડેટા ગોપનીયતા અને નિયમન સંબંધિત પડકારો અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
ITRAની ચેનલ ANCN સાથેની વાતચીતમાં WHO-GTMCના પરંપરાગત ચિકિત્સા સંશોધન, ડેટા અને નવીનતા વિભાગનાં વડાં ડૉ. ગીતા કૃષ્ણને જણાવ્યું હતું કે, “AIમાં આયુર્વેદને વધુ સારી રીતે સમજવાની અને તેના ઉપયોગને અસરકારક બનાવવાની અપાર સંભાવનાઓ છે. જોકે, નવી ટેક્નોલોજી અપનાવતાં પહેલાં આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોની ઊંડી સમજ જરૂરી છે. AIએ આયુર્વેદના પૂરક તરીકે કાર્ય કરવું જોઈએ, તેના મૂળભૂત જ્ઞાન અને પ્રજ્ઞાનું સ્થાન લેવું જોઈએ નહીં. પરંપરા અને નવીનતા વચ્ચે સંતુલન જાળવીને જ આયુર્વેદની પ્રામાણિકતા સાથે સમાધાન કર્યા વિના ટેક્નોલોજીનો અર્થપૂર્ણ અને ટકાઉ ઉપયોગ કરી શકાશે.”
પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતોની સહભાગિતા:
પરિષદમાં મુખ્ય અને આમંત્રિત વક્તાઓ તરીકે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. તેમાં સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન વિભાગનાં પ્રોફેસર તથા વિભાગાધ્યક્ષ અને સેન્ટર ફૉર પબ્લિકેશન એથિક્સનાં સંયોજક શુભદા નાગરકર; એપોલો આયુર્વેદ હોસ્પિટલ્સ, બેંગલુરુના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડૉ. રાજીવ વાસુદેવન; તેમજ IIT દિલ્હી ખાતે ડિઝાઇન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુમેર સિંહનો સમાવેશ થાય છે.
અન્ય વક્તાઓમાં WHO-GTMCના ટેક્નિકલ ઑફિસર ડૉ. માકી કાજીવારા; સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સેલન્સમાં આયુષના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડૉ. ગિરીશ તિલ્લુ; આર. એ. પોદાર સરકારી આયુર્વેદ મેડિકલ કૉલેજ, મુંબઈના ડૉ. સંદીપ કાલે; WHO, સ્વિટ્ઝર્લૅન્ડનાં વરિષ્ઠ સલાહકાર ડૉ. રાજેશ્વરી સિંહ; IIT જોધપુરનાં પ્રોફેસર પ્રો. (ડૉ.) મિતાલી મુખર્જી; પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના ડૉ. સંતોષ દીક્ષિત; C-DAC, પુણેના ડૉ. ગણેશ કરૈખેડે; તથા Ayur.AIના સ્થાપક અને CEO ડૉ. બાલા પેસલાનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોએ પરંપરાગત ચિકિત્સામાં AIનો ઉપયોગ, ડિજિટલ જ્ઞાનનું સંરક્ષણ, નૈતિકતા, વૈજ્ઞાનિક પુરાવા, બુદ્ધિશાળી આરોગ્ય સેવાઓ, નવીન ઉત્પાદન વિકાસ અને જવાબદાર ક્લિનિકલ ટ્રાયલ્સ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સંસ્થાકીય સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન:ITRAના છઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણીમાં વ્યૂહાત્મક સમજૂતી કરારો, સહયોગાત્મક પહેલો, નિષ્ણાત વ્યાખ્યાનો તથા સંસ્થાકીય સન્માન અને પુરસ્કાર સમારોહનો પણ સમાવેશ થયો હતો. આ કાર્યક્રમોએ આયુર્વેદમાં સંશોધન સહયોગ, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ડિજિટલ નવીનતાને પ્રોત્સાહન આપવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી.