દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે તા.૧૬મી મે ના રોજ "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી કરાશે
ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા વેગેરે જેવા વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાતા હોય છે. રાજ્ય કક્ષાની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૬/૦૫/૨૦૨૬ના રોજ "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ "Community Participation Dengue Control: Check, Clean and Cover" આપવામાં આવેલ છે. જેનો ગુજરાતી ભાવાનુવાદ "સમુદાયની ભાગીદારીથી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ; પાણીના પાત્રો તપાસી, સાફ કરીએ અને ઢાંકી રાખીએ" કરેલ છે.
દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને અટકાયત માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી સાથે સાથે જનસમુદાયમાં વાહકજન્ય રોગચાળો અટકાવવા અંગે જાગૃતતા આવે તે માટે જૂથ ચર્ચા, લધુ શિબિર,ગુરુ શિબિર, પત્રિકા વિતરણ,બેનર, સ્ટીકર દ્વારા આઈ.ઈ.સી.કામગીરી હાથ ધરવામાં આવેલ છે.જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને અટકાયત કામગીરીના સર્વેલન્સ દરમ્યાન મચ્છર ઉત્પતિ સ્થાનો ધરાવતા પાણીના પાત્રોના નિકાલ કરવામાં આવ્યો હતો. સર્વે કામગીરી દરમ્યાન મચ્છર ઉત્પત્તિસ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ,પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના ફુવારા, ફ્રીઝ/એસી/કુલરની ટ્રે.ફૂલઝાડ તથા પક્ષીઓના પીવાના કુંડા, અગાસી અને બંધિયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્વાવણ તેમજ ડ્રાયફ્લુબેન્ઝયરોન દ્રાવણનો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં આવેલ છે. આ કામગીરી જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીની દેખરેખ હેઠળ રોગચાળા અટકાયતી કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે, "ડેન્ગ્યુ દિવસ" માટે જનસમુદાયમાં જાગૃતતા વધે અને આરોગ્ય કર્મચારીઓને યોગ્ય સાથ સહકાર આપવા તેમજ પાણીના પાત્રો તપાસવા,સાફ કરવા અને હવાચુસ્ત ઢાંકવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જનસમુદાયને અનુરોધ કરવામાં આવે છે.