જામનગરમાં ગઈકાલે નવા ફ્લાય ઓવર બ્રિઝ ને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો, ત્યાર પછીથી લઈને મોડી રાત્રે સુધી અનેક વાહનચાલકો બ્રિઝની સવારી કરવા માટે નીકળી પડ્યા હતાં, સાથોસાથ પોતાના મોબાઈલ ફોનમાં તેની રીલ બનાવી હતી અને ગઈકાલે મોડી રાત્રે સુધી સોશિયલ મીડિયામાં નવા બ્રિજની અનેક રિલ ફરતી થઈ ગઈ હતી.
ગઈકાલે બપોરે બ્રિજનું ઉદઘાટન થયું, ત્યારથી જ અનેક વાહનચાલકો પુલની પ્રથમ સવારી કરવા માટે તૈયાર બેઠા હતા, અને પોલીસે રોકી રાખવાનો વારો આવ્યો હતો. મુખ્યમંત્રીનો કાફલો પુલનું ઉદ્ઘાટન અને સમીક્ષા કરીને પસાર થઈ ગયો, ત્યારબાદ તંત્રએ લોકોની અવરજવર માટે પુલ ખુલ્લો મૂકી દેતાં બપોરથી જ અનેક વાહન ચાલકો પૂલની સવારી કરવા માટે નીકળી પડ્યા હતાં, સાથે પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવવાનું શરૂ કર્યું હતું.
મોડી સાંજ સુધી અનેક વાહનોની અવરજવર ચાલુ રહી હતી, પરંતુ રાત્રીના ૯.૩૦ વાગ્યા બાદ અનેક રીલ બાઝો અને સ્ટંટબાઝો એ જાણે બ્રિજને માથે લીધો હતો અને પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવવાની ઘેલછામાં પૂલ ઉપર જ પોતાનું વાહન પાર્ક કરીને ઊભા રહી ગયા હતાં અને મોબાઈલ ફોનમાં રિલ બનાવવાનું શરૂ કર્યું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા હતી.
પોતાના પરિવારના સભ્યો, મિત્ર વર્તુળ સર્કલ સાથે અનેક રિલબાઝોએ પુલ ઉપર અનેક પ્રકારના વિડિયો ક્લિપ સાથેની રીલ બનાવી હતી અને હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયામાં તે રીલ ફરતી થઈ ગઈ હતી. ઉપરાંત સાત રસ્તાની મધ્યમાં આવેલા ઝાંસી કી મહારાણીના સર્કલ- ગાર્ડનમાં પણ કલરફુલ લાઇટો મૂકી દીધી હતી, જેનો અદભુત નજારો નિહાળીને નગરજનો અભિભૂત થઈ ગયા હતા.
સાત રસ્તા સર્કલની મધ્યમાં આવેલો ઝાંસી કી મહારાણીના સ્ટેચ્યુ સાથેનું સર્કલ કે જેમાં મહાનગરપાલિકા દ્વારા ફુવારો અને ગાર્ડન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જે ગાર્ડનમાં ગઈકાલે ઝાંસી કી રાણીની પ્રતિમા તેમજ અન્ય સ્થળે જુદી-જુદી કલર ફુલ લાઇટિંગો મૂકી દીધી હતી, તેનો અદભુત નજારો નિહાળવા માટે અનેક નગરજનો ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને સાત રસ્તા સર્કલમાં નવા બ્રિજની રિંગ બનેલી છે, જે ફરતી રીંગ ઉપર નગરજનો પોતાના વાહનો સાથે બ્રિઝ ઉપર ચડીને ત્યાં જ થંભી ગયા હતા, અને પોતાના મોબાઈલ ફોનમાં સર્કલનો નજારો નિહાળીને તેની રીલ બનાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. નવા બંધાયેલા બ્રિઝની સાથે-સાથે સાત રસ્તા સર્કલનો કલરફુલ લાઇટિંગ સાથેનો નજારો નગરજનોએ પ્રથમ વખત માણ્યો હતો અને આફ્રીન થયા હતાં.