BREAKING NEWS

દ્વારકા સ્ટેશન પર ૧૨ મીટર પહોળા ફુટ ઓવર બ્રિજના ૧૧ ગર્ડર ૪.૫ કલાકમાં લોન્ચ

  • October 30, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા સ્ટેશન પર ૧૨ મીટર પહોળા ફુટ ઓવર બ્રિજના ૧૧ ગર્ડર ૪.૫ કલાકમાં લોન્ચ

૩૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી કાર્ય પૂર્ણ થયું; નિર્ધારિત બ્લોક સમયગાળામાં સુરક્ષા ધોરણો સાથે સામાન્ય રેલવે વ્યવહાર પુન:સ્થાપિત 

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દ્વારકા રેલવે સ્ટેશન પર ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ના નિર્માણ કાર્યમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ અંતર્ગત પ્લેટફોર્મ નંબર ૧ અને પ્લેટફોર્મ નંબર ૨ ને જોડતા ભાગમાં ગર્ડર લોન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરી દરમિયાન નિર્ધારિત સ્થળ પર કુલ ૧૧ ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ જટિલ કામગીરી ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી મુખ્ય ક્રેન અને વધારાની બેકઅપ ક્રેનની મદદથી સુનિયોજિત રીતે સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન નિર્ધારિત સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું.

ગર્ડર લોન્ચિંગનું કામ નિર્ધારિત ૪.૫ કલાકના બ્લોક સમયગાળામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું, ત્યારબાદ રેલ વ્યવહાર સામાન્ય રીતે પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ એન્જિનિયરિંગ વિભાગની કાર્યક્ષમતા, વિવિધ ટીમો વચ્ચેનું ઉત્કૃષ્ટ સંકલન અને સંસાધનોનું અસરકારક સંચાલન દર્શાવે છે.

નોંધનીય છે કે આ અગાઉ ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પ્લેટફોર્મ નંબર ૧ અને સર્ક્યુલેટિંગ એરિયાને જોડતા સ્પાનના ગર્ડર્સનું લોન્ચિંગ કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ રીતે દ્વારકા સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નિર્માણ કાર્યને નિર્ધારિત સમયમર્યાદા મુજબ આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દ્વારકા સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનો વિસ્તાર અને આધુનિકીકરણ અમારી પ્રાથમિકતાઓમાં સામેલ છે. ૧૨ મીટર પહોળા નવા ફૂટ ઓવર બ્રિજથી મુસાફરોને સલામત અને સરળ અવરજવરની સુવિધા મળશે. મર્યાદિત બ્લોક સમયગાળામાં સુરક્ષા ધોરણોનું પાલન કરીને આ પડકારજનક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવું એ એન્જિનિયરિંગ વિભાગ અને સંબંધિત ટીમોના ઉત્કૃષ્ટ સંકલન તેમજ કાર્યક્ષમતાનું પ્રમાણ છે.

નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી દ્વારકા સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે, ભીડ વ્યવસ્થાપનમાં સુધારો થશે તથા સ્ટેશનની મુસાફર સુવિધાઓ અને એકંદર સ્વરૂપને બહેતર બનાવવામાં મદદ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application