જામનગર કલેક્ટર કચેરીમાં અધિકારીઓ ગેરહાજર, ચાર ગામના ખેડૂતો રઝળી પડ્યા
જામનગર તાલુકાના નાના થાવરીયા, ધુડશિયા, વાગડીયા અને માટલી એમ ચાર ગામોના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ભારે હાલાકીનો ભોગ બન્યા છે. જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ કંપની સામે ચાલતા કેસના સંદર્ભમાં કલેક્ટર કચેરી દ્વારા નોટિસ આપીને ખેડૂતોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કચેરીએ પહોંચેલા ખેડૂતોને કલેક્ટર કે કંપનીના કોઈ પણ અધિકારી હાજર ન મળતા કલાકો સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રાન્સમિશન લાઇન અને પાવર સંબંધિત પ્રશ્નો અંગે ચાર ગામના ખેડૂતોનો કેસ ચાલી રહ્યો છે. પૂર્વ નિશ્ચિત સુનાવણી અંતર્ગત ખેડૂતોને અગાઉ ૧ તારીખ અને ત્યારબાદ ૭ તારીખની મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ ગત તારીખ ૫ ના રોજ કલેક્ટર કચેરી તરફથી નોટિસ પાઠવીને આજરોજ તમામ ખેડૂતોને રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.સરકારી નોટિસને માન આપીને ચાર ગામના ખેડૂતો પોતાના ખેતીના મહત્વના કામકાજ તેમજ ઢોર-ઢાખરની સંભાળ મૂકીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કે જામનગર ટ્રાન્સમિશન લિમિટેડનો કોઈ પણ પ્રતિનિધિ હાજર રહ્યો ન હતો. ખેડૂતોનો આરોપ છે કે તેમને અગાઉથી કોઈ યોગ્ય જાણ કર્યા વગર જ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે ખેડૂતોને કોઈ યોગ્ય જવાબ કે સહયોગ મળ્યો નથી. પોતાના કામધંધા છોડીને આવેલા ખેડૂતોએ સરકારી તંત્ર અને કંપનીની આવી ઉપેક્ષા સામે ભારે વિરોધ દર્શાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application