BREAKING NEWS

ચોટીલાના રાજપરાની સીમમાં મધમાખીઓના હુમલાથી ૭૦ વર્ષીય વૃદ્ધાનું મોત

  • October 20, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા ૭૦ વર્ષીય વૃધ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજપરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજપરા ગામની સીમમાં આવેલી વાડીમાં ચોથીબેન વીરજીભાઈ રોજાસરા ઉ. વ. ૭૦ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ઝુંડે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓએ મોટી સંખ્યામાં ડંખ મારતાં તેમની તબિયત લથડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મધમાખીઓના ત્રાસથી ખેડૂતો અને અવરજવર કરતા લોકોમાં ચિંતા
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે હજુ પણ મધપૂડો હોવાનું જાણવા મળે છે અને મધમાખીઓનો ત્રાસ યથાવત્ રહેતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ અવરજવર કરતા લોકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને વાડી અને ખેતરોમાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરો તથા ગ્રામ્ય માર્ગો પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મધમાખીઓના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. મધપૂડાની આસપાસ મધમાખીઓની સતત અવરજવર રહેતી હોય તો નજીકમાં કામ કરતા લોકો પર ફરી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મધપૂડો દૂર કરવા ગ્રામજનોની તંત્ર સમક્ષ રજૂઆત
રાજપરા ગામના ગ્રામજનોએ વન વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને જોખમી મધપૂડાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
એક તરફ વાડીમાં કામ કરતા વૃદ્ધના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ છે, તો બીજી તરફ મધમાખીઓનો ત્રાસ યથાવત્ હોવાની સ્થાનિકોની રજૂઆતને પગલે તંત્રની કાર્યવાહી તરફ સૌની નજર મંડાઈ છે.
હવે સવાલ એ છે કે, એક વ્યક્તિનો જીવ ગયા બાદ તંત્ર જોખમી મધપૂડાને દૂર કરવા સમયસર કાર્યવાહી કરશે કે પછી બીજી કોઈ દુર્ઘટનાની રાહ જોવાશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application