ખંભાળિયા: જામખંભાળિયા પંથકમાં વકરતો રોગચાળો: કુંભારપાડામાં તાવની બિમારીથી એકનું મૃત્યુ
મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ કેસમાં ઉછાળો
ખંભાળીયા પંથકમાં રોગચાળો વકરી રહયો હોય તેમ તાવ, શરદીના કેસમાં ઉછાળો જોવા મળી રહયો છે, અહીંના કુંભારપાડા વિસ્તારમાં તાવની બિમારીમાં સપડાયેલા એક વ્યકિતનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે.
ખંભાળિયામાં વિજય સિનેમા પાછળ કુંભાર પાડો વિસ્તારમાં રહેતા લલીતભાઈ દેશુરભાઈ છેલ્લા ત્રણ દિવસ થયા તાવના કારણે બીમાર હોય, આ વચ્ચે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ દેશાબેન લલિતભાઈ ડોરૂએ અહીંની પોલીસને કરી છે.
છેલ્લા થોડા દિવસોથી મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસના અને ગળામાં બળતરાના કેસોનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળી રહયુ છે, સરકારી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, ખાસ કરીને મિશ્ર ઋતુ હોવાથી વાયરલ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આથી સ્થાનીક આરોગ્ય તંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, બીજી બાજુ ખંભાળીયાના કુંભારપાડા વિસ્તારમાં તાવના કારણે એક વ્યકિતનો ભોગ લેવાયાનો બનાવ સામે આવ્યો છે.
દ્વારકા જીલ્લાના ખંભાળીયા પંથક ઉપરાંત જામનગર જીલ્લામાં પણ હાલના વાતાવરણના કારણે વાયરલ કેસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે, જેમાં શરદી, ઉધરસ, ગળાની બળતરા જેવી ફરીયાદો દર્દીઓમાં ઉઠી છે, અહીંની સરકારી હોસ્પીટલમાં આ પ્રકારની બિમારીવાળા દર્દીઓ વધુ જોવા મળી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ડેન્ગયુના કેસ સામે આવ્યા હતા. ઉપરાંત ચાંદીપુરાના કેસ નોંધાયા હતા અને હાલમાં વાયરલ બિમારીના દર્દીઓ જોવા મળી રહયા છે.