જામનગરમાં એક રાખી ફોજી કે નામ અભિયાનનો પ્રારંભ
સરહદે ફરજ બજાવતા સૈનિકો માટે ૨૦ ઓગસ્ટ સુધી રાખડીઓ સ્વીકારાશે
દેશની સરહદો પર પરિવારથી દૂર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જામનગરમાં છેલ્લા દસ વર્ષથી યોજાતું એક રાખી ફોજી કે નામ અભિયાન આ વર્ષે અગિયારમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તથા ભારત તિબબત સંઘ મહિલા વિભાગ જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ અભિયાન અંતર્ગત જામનગરની બહેનો દ્વારા સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ અને શુભેચ્છાઓ મોકલવામાં આવશે.
આ પવિત્ર સેવાયજ્ઞમાં જામનગરની તમામ બહેનો, વિવિધ મહિલા મંડળો અને સામાજિક સંસ્થાઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. બહેનો રાખડી સાથે હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પોતાનો સંદેશો પણ મોકલી શકશે. રાખડી મોકલવા માટે કવર પર ટપાલ ટિકિટ લગાવવાની કે રોકડ રકમ મોકલવાની જરૂર નથી, કારણ કે જવાનો સુધી રાખડી સુરક્ષિત રીતે પહોંચાડવાની તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે. અભિયાનમાં જોડાવા ઇચ્છતી બહેનો ૨૦ ઓગસ્ટ સુધી સાંજે ૬થી ૭ વાગ્યા દરમિયાન ઇન્દ્રપ્રસ્થની સામે, પંચેશ્વર ટાવર રોડ, બેડી ગેઇટ, જામનગર સરનામે ડિમ્પલબેન રાવલને રૂબરૂ રાખડી આપી શકશે. આ અભિયાન અંગે વધુ માહિતી કે સંપર્ક માટે મોબાઈલ નંબર ૯૪૦૮૯ ૮૯૮૯૧ પર સંપર્ક સાધી શકાશે.