જામ્યુકોમાં કર્મીઓની સ્માટર્ર્ સીટી એપમાં ઓનલાઇન હાજરી, નામ બડે દર્શન છોટે..!
આજકાલ પ્રતિનિધિ
જામનગર
જામનગર મહાનગરપાલીકામાં ફરજ બજાવતા કર્મચારીઓની ઓનલાઇન હાજરી, ગેરહાજરી માટે બેએક વર્ષ પૂર્વે ૩૧૧ સ્માર્ટ સીટી એપ બનાવામાં આવી છે. પરંતુ મોટાભાગના કર્મચારીઓ આ એપનો ઉપયોગ કરતા ન હોય નામ બડે દર્શન છોટે કહેવત સાર્થક થઇ રહી છે. જો આ એપનો ફરજીયાત અમલ થાય તો ગુટલીબાજ અને કામચોર કર્મચારીઓના તપેલા ચડી જાય તે ચર્ચા મનપામાં ચોમેર થઇ રહી છે. બીજી બાજુ આ એપનો ઘણાં કર્મચારીઓ ઉપયોગ કરતા ન હોય શા માટે પગલાં લેવાતા નથી તે ખરેખર ગંભીર તપાસનો વિષય બન્યો છે.
જામનગર મહાનગરપાલીકામાં જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા કાયમી સહીત તમામ કર્મચારીઓની હાજરી, ગેરહાજરી તથા તેની કામગીરીની સમીક્ષા માટે ૩૧૧ સ્માર્ટ સીટી નામની એપ બેએક વર્ષ પૂર્વ બનાવામાં આવી છે. દરેક કામની જેમ આ એપ પાછળ પણ મસમોટો ખર્ચ કરવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મનપાના કર્મચારીઓની હાજરી, ગેરહાજરી તથા કામગીરી સંબધિત બનાવેલી આ એપનો આજની તારીખે પણ મોટાભાગના કર્મચારીઓ સદઉપયોગ કરતા નથી. એટલે કે, મનપાની સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ, સોલીડ વેસ્ટ, હાઉસ ટેકસ, આરોગ્ય, લાઇટ, ટીપીઓ, એસ્ટેટ, ફાયર, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ સહીતની શાખાઓમાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓ ફીઝીકલ એટલે કે રજીસ્ટરમાં હાજરી પૂરી રહ્યા છે. આથી લાખોના ખર્ચે બનાવેલી આ એપ્લીકેશન નામ બડે દર્શન છોટેની કહેવતની જેમ ફારસપ પુરવાર થઇ રહી છે.
આટલું જ નહીં આ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે તો કર્મચારીઓ શું કામગીરી કરે છે, હાજર છે કે ગેરહાજર છે, રીસેસ ટાઇમ પછી આઉટ ડોર કે ફીલ્ડ વર્કમાં જયાં કામગીરી કરતા હોય તેની સંપૂર્ણ માહીતી લોકેશન સાથે આવે છે. પરંતુ નવાઇની વાત એ છે કે, મોટાભાગના કર્મચારીઓ આ એપનો સદઉપયોગ કરતા ન હોય ગંભીર સવાલ ઉઠ્યા છે. કર્મચારીઓની હાજરીએ સૌથી મહત્વની બાબત છે. ત્યારે આ એપમાં હાજરી પુરવામાં આવે તો કર્મચારીએ ઓફીસે આવીને હાજરી પુરી છે કે કેમ તે લોકેશન પણ આવે છે. પરંતુ અમુક કર્મચારીઓ આ એપનો ઉપયોગ ન કરી ઘરબેઠા હાજરી પુરાતા હોવાની ગંભીર ફરિયાદો પણ ખુદ મનપાના અન્ય કર્મચારીઓમાં ઉઠી છે. ત્યારે આ એપ્લીકેશનનો ફરજીયાત અમલ કરાવામાં આવે તો ગુટલીબાજ અને કામચોર કર્મચારીઓના તપેલા ચડી જાય તેમાં બેમત નથી તેવી ચર્ચા મનપાના પટાંગણમાં જોરશોરથી થઇ રહી છે. ત્યારે આ એપ્લીકેશનનું અમીલકરણ ઉચ્ચ અધિકારીઓ કરાવશે કે કેમ તે જોવાનું રહ્યું.