BREAKING NEWS

જામ્યુકોની ઓપન જામનગર પ્રશ્ર્નોતરી કાર્યક્રમમાં પાંખી હાજરી..!

  • August 20, 2026 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની ઓપન જામનગર પ્રશ્ર્નોતરી કાર્યક્રમમાં પાંખી હાજરી..!

ફીયાસ્કો: મહાનગરપાલીકા પ્રચાર-પ્રસારમાં વામણી કે શહેરીજનોમાં નીરસતા સળગતો સવાલ, કાર્યક્રમના ખર્ચ પર પાણી ઢોળની સ્થિતિ

સ્થાપના દિનના મોટા ઉપાડે આયોજીત કાર્યક્રમમાં થોડા સમય બાદ સ્ટેજ પરની તમામ ખુરશીઓ ખાલી રહેતા અનેક સવાલ અને ચર્ચા

જામનગરના સ્થાપના દિવસે મહાનગરાલીકા દ્વારા આયોજીત ઓપન જામનગર પ્રશ્ર્નોતરી કાર્યક્રમમાં ખૂબજ પાંખી હાજરીથી ફીયાસ્કા જેવી સ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમના પ્રચાર-પ્રસારમાં મહાનગરપાલીકા વામણી રહી કે શહેરીજનોની નીરસતાના કારણે કાર્યક્રમમાં ઓછી હાજરી રહી તે સળગતો સવાલ ઉઠ્યો છે. બીજી બાજુ કાર્યક્રમમાં ગણ્યાગાંઠયા લોકોની હાજરીથી કાર્યક્રમના ખર્ચ પાણી ઢોળી સ્થિતિ સર્જાઇ છે. સ્થાપના દિનના મોટા ઉપાડે આયોજીત કાર્યક્રમમાં થોડા સમય બાદ ડાયસ પર તમામ ખુરશીઓ ખાલીખમ હોય અનેક સવાલની સાથે તરેહ-તરેહની ચર્ચા ઉઠી છે. 

નવાનગર જામનગરનો ગઇકાલે શ્રાવણ સુદ સાતમના ૪૮૭મો સ્થાપના દિવસ હતો. આ પ્રસંગે જામનગર મહાનગરપાલીકા દ્વારા દરબારગઢ પાસે આવેલી શહેરની સ્થાપના સમયની ખાંભલીનું પૂજન અને શહેરમાં આવેલી જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પાજંલીના કાર્યક્રમનું સવારે આયોજન કરાયું હતું. જયારે આ પ્રસંગે સાંજે પ્રશ્ર્નાજંલી સ્વરૂપે ઓપન જામનગર પ્રશ્ર્નોતરી કાર્યક્રમનું તમામ શહેરીજનો માટે ટાઉનહોલમાં આયોજન કરાયું હતું. જેમાં જામનગરના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા અંગે પ્રશ્ર્નોના જવાબ આપો અને સ્થળ પર મેળવો પ્રોત્સાહીત ઇનામ તેવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કરોડોના ખર્ચે બનેલા ટાઉનહોલમાં મનપા દ્વારા યોજાયેલા ઓપન જામનગર પ્રશ્ર્નોતરી કાર્યક્રમમાં શહેરીજનોની ખૂબજ પાંખી હાજરી ચર્ચાના મુદા સાથે સળગતો સવાલ બન્યો છે. કાર્યક્રમમાં ગણ્યાગાંઠયા લોકોની હાજરીથી ટાઉનહોલમાં મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી.  

કારણ કે, મનપા દ્વારા શહેરના સ્થાપના દીવસે મસમોટા ઉપાડે પ્રશ્ર્નોતરી કાર્યક્રમનું આયોજન ટાઉનહોલમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમનો શહેરીજનોમાં પ્રચાર-પ્રસાર કરવામાં વામણી રહી કે પછી લોકોની નીરસતાના કારણે કાર્યક્રમમાં જૂજ એટલે કે ગણ્યાગાંઠયા લોકોની હાજરી જોવા મળી તે સળગતો સવાલ ઉઠયો છે.નવાઇની વાત તો એ છે કે, કાર્યક્રમ શરૂ થયાના થોડા સમય બાદ મુખ્ય ડાયસ પરની તમામ ખુરશીઓ ખાલીખમ જોવા મળતા પણ અનેક સવાલ ઉઠયા છે. આટલું જ નહીં પ્રશ્ર્નોતરીના કાર્યક્રમમાં શહેરીજનોની પાંખી હાજરીથી આ કાર્યક્રમ  પાછળ કરવામાં આવેલા ખર્ચ પર પાણી ઢોળ જેવી સ્થિતિ સર્જાઇ હોવાનો ગણગણાટ પણ શહેરીજનો અને ચૂંટાયેલા નગરસેવકોમાં થઇ રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application