જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરમાં આરોપીએ ફેંકેલો થેલો શોધવા કવાયત
એક ટીમ દ્વારા દ્વારકાના દરિયામાં શોધખોળ : સગીરાની મેડીકલ ચકાસણી
લાલપુરના પારેખ બાગ રોડ પર નિવૃત પીજીવીસીએલના કર્મચારીની લુંટના ઇરાદે ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલ મુખ્ય આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લઇને સધન તપાસ ચલાવવામાં આવી રહી છે. જયારે આરોપીએ આપેલી કબુલાત અનુસંધાને મોબાઇલ, કપડા, ગ્લોવ્ઝ સહિતનો થેલો દ્વારકાના દરિયામાં ફેંકી દીધો હતો જે પુરાવા એકત્ર કરવા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાલપુરમાં તાજેતરમાં નિવૃત પીજીવીસીએલના કર્મચારી મનસુખભાઇ વાછાણીની માથાના ભાગે કોઇ હથિયારથી જીવલેણ ઇજા કરીને હત્યા નિપજાવવામાં આવી હતી અને ઘરમાંથી રોકડ સહિતના મુદામાલની લુંટ ચલાવી આરોપી નાશી ગયો હતો, આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મકાનમાં કામ કરતી સગીરા અને તેના સાગરીતની સામે શંકા દર્શાવી હતી.
લાલપુરના એએસપી પ્રતિભા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ ડી.સી. ગોહિલ સહિતની ટીમ દ્વારા સધન તપાસ કરીને આરોપી અક્ષય અરવિંદભાઇ મોયડા રહે. મીઠાપુર બક્ષી પંચ સોસાયટી, ધંધો વેઇટરને પુના વિસ્તારમાંથી પકડી લીધો હતો, તેની પાસેથી રોકડા પીયા અને ચાંદીના ચોસા મળી ૧૧.૪૯ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો, પુછપરછમાં મૃતકના બે અને તેમના બે મળી ચાર મોબાઇલ, કપડા, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની વસ્તુવાળો થેલો દ્વારકાના ભડકેશ્ર્વર નજીકના દરીયામાં ફેંકી દીધાનું કબુલાત આપી હતી, ઉપરાંત આર્થીક તંગીના કારણે પ્લાન બનાવીને વારદાતને અંજામ આપ્યાની પણ કેફીયત આપવામાં આવી હતી, લાલપુર પોલીસની એક ટીમ દરીયામાં ફેકેલા થેલાને શોધવા કવાયત આદરી છે, જયારે સહ આરોપી સગીરાના અમુક મેડીકલ પરિક્ષણ થઇ ચુકયા છે અને બાકીના પરિક્ષણ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.