હાલારમાં કાલથી ઓરેન્જ એલર્ટ, ૬ થી ૮ ઇંચ વરસાદની આગાહી..!
મેધમહેરની આશા: વેલમાર્કડ લો પ્રેસર સિસ્ટમ મજબૂત બનશે તો રવિવાર અને સોમવારે જામનગર, દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા
ગુજરાત હવામાન વિભાગની ચેતવણી: વરસાદની સૌથી વધુ જરૂર છે તે વિસ્તારોમાં મેઘકૃપાની સંભાવના: હાલારવાસીઓની વધુ એક વખત આકાશ તરફ મીટ
વલસાડ-ડાંગ તરફથી પ્રવેશ કરનારી વેલમાર્કડ લો પ્રેસર સીસ્ટમ મજબૂત બનશે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં રવિવારે અને સોમવારે ઓરેન્જ એલર્ટની સ્થિતિ તથા ૬ થી ૮ ઇંચ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. આટલું જ નહીં વરસાદની સૌથી વધુ જરૂર છે તે વિસ્તારોમાં મેઘકૃપા થવાની સંભાવના હોય હાલારવાસીઓની વધુ એક વખત આકાશ તરફ મીટ મંડાઇ છે.
ગુજરાત હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વેલ-માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ રવિવાર સુધીમાં વલસાડ-ડાંગ તરફથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને અરબી સમુદ્રમાંથી મળતા ભેજ તેમજ વિકસતા પોઝીટીવ આઇઓડીના સપોર્ટથી ફરી મજબૂત બનશે. ત્યારબાદ તે સંભવત: પશ્ર્ચીમ દિશામાં આગળ વધીને ભાવનગર, રાજકોટ, દ્વારકા તરફ જશે અને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કચ્છના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે. આથી નર્મદા, તાપી, વડોદરા, ભચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી અને ડાંગ વિસ્તારોમાં શનિવાર મોડી રાતથી રવિવાર દરમિયાન મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. વલસાડથી સુરત વચ્ચે ડબલ્યુએમએલનું કેન્દ્ર ફરી એક વખત વોર્ટેક્સ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જો આ પ્રકારની સ્થિતિ સર્જાય તો ૧૩ સપ્ટેમ્બરે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક સ્તરે પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ વોર્ટેક્સ-ડબલ્યુએમએલ ત્યારબાદ ઉપર જણાવેલા માર્ગે આગળ વધશે અને ૧૩ સપ્ટેમ્બરની રાત્રી સુધીમાં ગુજરાતના મોટા ભાગને આવરી લે એટલે કે અસર હેઠળ લઈ શકે છે. આથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સોમવાર સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રવિવારે બપોરે ૧૨ વાગ્યા પછી અને સોમવારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ,જામનગર,પોરબંદર,દ્વારકા વિસ્તારોમાં ૧૫૦ થી ૨૦૦ મિમી એટલે કે ૬ થી ૮ ઇંચ વરસાદ પડી શકે છે.
આટલું જ નહીં વોર્ટેક્સના માર્ગમાં આવતા કેટલાક વિસ્તારોમાં ૪૮ કલાક દરમિયાન ૨૦૦થી ૩૦૦ મીમી એટલે કે ૮ થી ૧૨ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ પણ પડી શકે છે, જેના કારણે પૂર અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. હાલમાં જમીન પ્રમાણમાં સૂકી હોવાથી વરસાદી પાણીનું ઝડપી રનઓફ થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ભરાઈ શકે છે. સોમવાર મોડી સાંજથી મંગળવાર દરમિયાન સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધશે. તદઉપરાંત ૧૫ સપ્ટેમ્બરે આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ સિસ્ટમને ફરીથી ગુજરાત તરફ ખેંચે તેવી પૂરી શક્યતા છે. જો આ સ્થિતિ શકય બનશે તોે આગામી સપ્તાહમાં મળનાર વધારાનો વરસાદ ખેડૂતો માટે ચોક્કસપણે આવકાર્ય રહેશે. વેલમાર્કડ લો-પ્રેશર સીસ્ટમના કારણે વર્ષ-૨૦૨૬માં છેલ્લો, પરંતુ સારો વરસાદી પડવાની સંભાવના છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં હાલમાં વરસાદની સૌથી વધુ જરૂર છે.