BREAKING NEWS

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે 'સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬'નું આયોજન

  • October 15, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે 'સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬'નું આયોજન

તા.૧૫ નવેમ્બર સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે 'સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬'નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે. દિવ્યાંગ ખેલાડીઓ માટેના આ સ્પેશિયલ ખેલ મહાકુંભનું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા. ૧૫/૧૦/૨૦૨૬ થી તા. ૧૫/૧૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. આ સ્પર્ધાઓ જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ યોજાશે, જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન બ્લાઈન્ડ, શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે.

સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬ માં વિવિધ કેટેગરી માટે વયજૂથ નક્કી કરવામાં આવેલ છે, જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરી માટે ૮ થી ૧૫ વર્ષ જૂનિયર, ૧૬ થી ૨૧ વર્ષ સીનિયર અને ૨૨ વર્ષથી ઉપર માસ્ટર, શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરી માટે ૧૬ વર્ષ, ૧૬ થી ૩૫ વર્ષ તથા ૩૫ વર્ષથી ઉપર, બ્લાઈન્ડ કેટેગરી માટે ૧૮ વર્ષથી નીચે તથા ૧૮ વર્ષથી ઉપર, શ્રવણ મંદ કેટેગરી માટે ૧૬ વર્ષથી નીચે, ૧૬ વર્ષથી ઉપર તથા ૪૫ વર્ષથી ઉપર તેમજ સેરેબ્રલ પાલ્સી કેટેગરી માટે ઓપન એજ ગ્રુપ રાખવામાં આવ્યું છે.

આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવ્યાંગતા અંગેના પ્રમાણપત્રોના વેરિફિકેશન બાદ જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જામનગર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે માટે કચેરી કે સંસ્થાના સમય દરમિયાન નીચે દર્શાવેલ સ્થળો પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

૧)જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત સામે, જામનગર, ૨)સર્વ શિક્ષા અભિયાન કચેરી, નવા નગર હાઈસ્કૂલ, જામનગર, ૩)પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ જામનગર, આશા દીપ વિકલાંગ ટ્રસ્ટ, અલ્તાફ મંઝિલ, ૩૨-દિગ્વિજય પ્લોટ, જામનગર, ૪)શ્રી રામ મૂક બધિર મૂંગા-બહેરા શાળા, આણદાબાવા, જામનગર, ૫)ઓમ ટ્રેનિંગ સેન્ટર, જામનગર, અંધજન તાલીમ કેન્દ્ર અંધ ઉદ્યોગ શાળા, રેલ્વે ફાટક પાસે, જામનગર તથા કાલાવડ, ધ્રોલ, જામનગર, લાલપુર, જોડિયા અને જામજોધપુર સ્થિત બી.આર.સી. ભવન ખાતેથી રજીસ્ટ્રેશન કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application