આ વખતે 25 વર્ષ આયોજનના પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ તરીકે પ્રોગ્રામ જાહેર અને સમાજના વિવિધ કાર્યોમાં સહભાગી થતા 611 દાતાઓનું અદકેરું સન્માન
આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 ઓકટોબરના રોજ શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે આ જાજરમાન રાસોત્સવ ઉજવાશે.
જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલ આહીર સમાજની બાજુમાં JMC ગ્રાઉન્ડના આંગણે આ જબરદસ્ત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા. 25 ઓકટોબરના રોજ સાંજે 9 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી સમગ્ર રાસોત્સવ ઉજવાશે. આહીર સમાજના લોકો પારિવારિક માહોલમાં ગરબે રમી ઉત્સાહ માણી શકે તે માટે આ આયોજન હાથ ધરાયું છે. જેમાં કલાકાર પ્રવીણ બારોટ અને શ્રુતિ દુધરેચિયા તેમજ મયુરી આહીર સુર સંગીતની રમઝટ બોલાવશે.
શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં આ રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીત-સંગીત, રાસ-ગરબાનો સોહામણો સંગમ જોવા મળશે. દિવાળીના તહેવારના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રમઝટની વિદાય વચ્ચે આ આયોજન આહીર સમાજના લોકો માટે ગરબા-રાસનો મજા માણવાનો દિવસ બની રહે છે. જેમાં સમાજિક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આહીર યુવા ગ્રુપના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાનીમાં યુવાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં સહભાગી થવા માટે આહીર સમાજના લોકોને આહીર યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.એવું મીડિયા સમિતિ ના સુરેશભાઈ વસરા તેમજ હિતેશભાઈ ગાગલિયાની યાદી માં જણાવેલ છે.