BREAKING NEWS

જામનગર : હાલારમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર ખાનગી પેઢીના માલીકોએ નાણાંનું વિદેશમાં ફન્ડીંગ કર્યું..!

  • October 18, 2025 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલાર સહીત રાજયભરમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવનાર ખાનગી પેઢીના માલીકોએ રોકાણકારો પાસે ઉઘરાવેલી મોટી રકમનું વીદેશમાં ફડીંગ કર્યાની ફરિયાદો રોકાણકારોમાં ઉઠી છે. છેતરપીંડીનો ભોગ બનનાર રોકાણકારોના નાણાં મેળવવાના પ્રયાસો મહદઅંશે નિષ્ફળ રહ્યા છે. આટલું જ નહીં નાણાં પરત મેળવવા ખાનગી પેઢીની ઓફીસ અને સંબધિત વિભાગોમાં ફરિયાદો માટે રોકાણકારો દ્રારા અસંખ્ય ધકકા કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઇ પગલાં સંબધિત વિભાગ દ્રારા લેવામાં ન આવતા રહસ્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે.


અમદાવાદની ખાનગી પેઢી દ્રારા હાલાર સહીત રાજયભરમાં શાખાઓ ખોલી રોકાણ પર ૧૦ ટકા જેટલા ઉંચા વળતરની ખાતરી આપી હતી. આટલું જ નહીં જુદી જુદી મન્થલી સહીતની યોજના પણ બહાર પાડી હતી. આથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ મસમોટું રોકાણ કર્યંુ હતું.પરંતુુ ખાનગી પેઢીએ શરૂઆતમાં યોજના મુજબ અમુક રોકાણકારોને નાણાં પરત કર્યા હતાં. પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી વધુ સમયથી ખાનગી પેઢી નાણાં ચૂકવવાના બંધ કરી માલીકોએ ઓફીસો બંધ કરી દીધી છે. ખાનગી પેઢી દ્રારા એજન્ટોની નીમણુંક  પણ કરવામાં આવી હતી. આ એજન્ટો રોકાણકારોને શીશામાં ઉતારતા હતાં.


હાલારમાં આ ખાનગી પેઢીએ રૂ.૮ કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું છે. જયારે રાજયમાં આ કૌંભાડનો આંક કરોડો રૂપિયાનો છે. આટલું જ નહીં ખાનગી પેઢીના માલીકો સામે અન્ય શહેરોમાં પોલીસ ફરિયાદો પણ થઇ છે. પરંતુ જામનગરમાં હજુ પેઢીના માલીકો અને એજન્ટો સામે ગુનો નોંધાયો નથી. આથી અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ ખાનગી પેઢી દ્રારા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી તેમાંથી મોટું ફંડીગ વીદેશમાં કર્યાની પણ ફરિયાદો રોકાણકારોમાં ઉઠી છે. જેમાં પણ ફેમા સહીતના નિયમોનું ઉલાળીયો કરવામાં આવ્યાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. 


ખાનગી પેઢી દ્રારા કરોડોનો ફૂલેકું ફેરવવામાં આવ્યું હોય તેમાં અમુક રોકાણકારોને  તો મરણ મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રોકાણકારો વ્યાજ તો દૂરની વાત રહી મૂડી મેળવવા માટે ખાનગી પેઢીની ઓફીસો અને સંબધિત વિભાગોમાં ઘકકા ખાઇ રહ્યા છે. પરંતુ રોકાણકારોના નાણાં મેળવવાના પ્રયાસ મહદઅંશે નિષ્ફળ રહ્યા છે. આથી રોકાણકારોને નાણાં પરત મળશે કે પછી ગુમાવવા પડશે તે સવાલ જોરશોરથી ઉઠ્યો છે.


જીપીઆઇડી એકટ હેઠળ ખાનગી પેઢીના માલીકો સામે કાર્યવાહી કરવા રોકાણકારોમાં માંગ...

જામનગર સહીત રાજયભરમાં ખાનગી પેઢીના માલીકોએ કરોડો રૂપિયાનું કૌંભાડ આચરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ તેમજ અન્ય શહેરોમાં ખાનગી પેઢીના માલીકો અને એજન્ટો સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પણ કરોડોનું ફૂલેકું ફેરવનાર ખાનગી પેઢીના માલીકો અને એજન્ટો સામે જીપીઆઇડી એટલે કે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર્સ ઇન ફાયનાન્સીઅલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવા રોકાણકારોમાં માંગ ઉઠી છે. 


સરકારી કર્મચારીઓ પણ છેતરપીંડીનો ભોગ બન્યા 
જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખાનગી પેઢી દ્રારા ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે. ત્યારે આ કૌંભાડનો ભોગ સરકારી કર્મચારીઓ પણ બન્યા છે. કારણ કે, સરકારી કર્મચારીઓએ પણ ખાનગી પેઢી દ્રારા જાહેર કરાયેલી જુદી-જુદી યોજનામાં નાણાં રોકયા હતાં. પરંતુ પેઢીએ હાથ ઉંચા કરી દેતા સરકારી કર્મચારીઓને પણ નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે.​​​​​​​​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application