દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે પ્રોહી બુટલેગરો સામે પાસા
બે આરોપીઓને પાલારા અને રાજપીપળા જેલમાં ધકેલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા બે નામચીન પ્રોહી બુટલેગરો વિરૂદ્ધ પાસા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરીને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ એકત્રિત કરીને પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ પાસા દરખાસ્તોના કાગળોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ તાત્કાલિક નિર્ણય લઈ અટકાયત વોરંટ ઈશ્યુ કર્યા હતા. આ વોરંટના આધારે એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. સવસેટા દ્વારા વોરંટની બજવણી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં નાગેશ્વર ગામ વાડી વિસ્તારના રહેવાસી રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયાને પાલારા ખાસ જેલ (ભુજ-કચ્છ) ખાતે તેમજ ટોબર ગામના રહેવાસી રાયદેભા ટપુભા કેરને જિલ્લા જેલ રાજપીપળા (નર્મદા જિલ્લો) ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલ વી. દેસાઇ, નાયબ કલેક્ટર ડો. રિધ્ધી રાજ્યગુરૂ તેમજ એલ.સી.બી. અને કલેક્ટર કચેરીની સંયુક્ત ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસ અને વહીવટી તંત્રની આ સંયુક્ત અને કડક કાર્યવાહીથી જિલ્લાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.