BREAKING NEWS

હમ નહીં સુધરેંગે: રાજકોટમાં જનતાએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા આઠ મહિનામાં 4.28 કરોડ દંડ ભર્યો

  • August 26, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માત્ર પોલીસ એકથી નહીં પરંતુ લોકોએ પણ જાગૃત બનવું એટલું જ જરૂરી છે, ટ્રાફિક નિયમનનો છેડે ચોક ભંગ કરી નીકળતા ૧,૧૦,૬૦૧ લોકોએ પોલીસને ચાલુ વર્ષમાં રૂ.4 કરોડથી વધુની રકમનો દંડ ચુકવ્યો છે એમ છતાં હમ નહિ સુધરેંગે જેવી સ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે,


ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ વગરના વાહન ચાલકો, બ્લેક ફિલ્મ તેમજ સફેદ એલ.ઈ.ડી. લાઈટ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચાલુ રાખી સખ્ત કામગીરી કરવા ડીસીપીએ નિર્દેશ આપ્યા હતા.

હરપાલસિંહ જાડેજાએ નંબર પ્લેટ ચોખ્ખી વાંચી શકાય તે રીતે લગાડેલી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં કાર કંપની દ્વારા આવતા કાચમાં કોઈપણ પ્રકારની ફિલ્મ ના લગાડવા કાર ચાલકોને ખાસ વિનંતી કરી હતી. ડી.સી.પી. દ્વારા કાર એસોસિએશન સાથે કરવામાં આવેલી મિટિંગમાં કાચ પર ફિલ્મનું તથા સફેદ એલ.ઈ.ડી. લાઈટનું વેચાણ નહીં કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. ડી.સી.પી.એ રાજકોટ સંલગ્ન હાઇવે પર ગેરકાયદે મીડીયન ગેપ બંધ કરવા તેમજ તોડી નાખતા ઇસમો વિરુદ્ધ સખ્ત કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

માર્ગ સલામતી અર્થે રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૧,૧૦,૬૦૧ જેટલા વિવિધ કેસ કરી રૂ. ૪,૨૮,૮૭,૨૦૦નો દંડ કરવામાં આવ્યો હોવાનું તેમજ ૬૮,૦૩૩ જેટલા ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યાં હોવાનું ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી આઈ. સી. ટાંકે જણાવ્યું હતું કે, આર.ટી.ઓ. વિભાગ દ્વારા ૫૦થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા ૨૨૫ વાહનચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ ૪૭ વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજકોટ શહેરમાં તેમજ માધાપર ચોકડી ખાતે લેફ્ટ ટર્ન સ્મૂધ બનાવવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત આર.એન્ડ.બી. સ્ટેટ, નેશનલ હાઇવે, મહાનગરપાલિકા દ્વારા રોડ સેફ્ટી મેજરમેન્ટ અંગે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં માર્ગ સલામતી સલાહકાર જે.વી. શાહ, નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ડિવિઝન, રૂડા, સ્ટેટ આર.એન્ડ.બી., એસ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓએ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application