જામનગર : આ તે કેવી સ્વચ્છતા..તળાવની પાળે માર્ગ પર કેરણ-કાટમાળના ખડકલા..!
જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરને કચરામુકત બનાવવા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ શહેરમાં જૂની આરટીઓ કચેરીથી જંગલેશ્ર્વર મંદીર સુધીના નવા માર્ગ પર કેરણ અને કાટમાળના ડુંગર ખડકાતા સોનાની થાળીમાં લોઢાની મેખની સાથે આ ને કચરામુકત શહેર કહેવાય તે સો મણનો સવાલ શહેરીજનો મનપાના અધિકારીઓને પૂછી રહ્યા છે. માગર્ર્ની એકબાજુ છેલ્લાં ઘણાં સમયથી કેરણ,કાટમાળની સાથે કચરાના ગંજથી વૃક્ષોનો વિકાસ ંધાઇ રહ્યો છે તો આ માર્ગ પર આવેલી રાજાશાહી સમયની પ્રાચીન ધરોહરને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. ત્યારે કેરણ અને કાટમાળના ખડકલા કરનાર શખ્સો સામે દંડનીય પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
જામનગર મહાનગરપાલીકા દ્વારા પાછલા તળાવના બ્યુટીફીકેશનનો પ્રોજેકટ-૨ ચાલી રહ્યો છે. જે અંતર્ગત આ તળાવની ફરતે કામગીરી ચાલી રહી છે. પરંતુ તળાવની પાળની બ્યુટીફીકેશનની કામગીરી દરમ્યાન માર્ગની એકબાજુ સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા છે. પાછલા તળાવ પર જૂની આરટીઓ કચેરીથી જંગલેશ્ર્વર મહાદેવ મંદીર સુધી મનપાએ થોડા સમય પૂર્વે લાખોના ખર્ચે નવો સીસી રોડ બનાવ્યો છે. આ માર્ગ સતત ટ્રાફીકથી ધમધમતો રહે છે. પરંતુ આ નવનિર્મિત માર્ગ પર હાલમાં તો સોનાની થાળીમાં લોઢની મેખની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, માર્ગની એકબાજુ કેરણ અને કાટમાળાના ડુંગર ખડકાયેલા છે. છેલ્લાં ઘણા સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે. નવાઇની વાત તો એ છે કે, એકબાજુ મનપા દ્વારા શહેરને કચરામુકત બનાવવા મોટા ઉપાડે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જાહેરમાં કચરો ફેંકનાર આસામીઓનં દંડ, ભીનો અને સૂકો કચરો અલગ આપવા, કચરો કચરાપેટીમાં નાખવા શહેરીજનોને અનુરોધની સાથે સુફીયાણી સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ મનપા દ્વારા તળાવની પાળના ચાલી રહેલા બ્યુટીકીકેશન પ્રોજેકટની બરોબર સામે કાટમાળ અને કેરણની સાથે કચરાથી સફાઇ અને સ્વચ્છતા ઝુંબેશના ફીયાસ્કાની સ્થિતિ જોવા મળી રહી છે.
આટલું જ નહીં કેરણ અને કાટમાળના ગંજ ખડકાતા માર્ગની બાજુ પર આવેલા વૃક્ષોનો વિકાસ ંધાઇ રહ્યો છે. બીજી બાજુ દુ:ખની વાત એ છે કે, આ સમસ્યાથી સતત ધૂળ ઉડતા માર્ગની તે બાજુ આવેલી રાજાશાહી સમયની ઐતિહાસીક કલા-વારસા સમાન પ્રાચીન ઇમારતને પારાવાર નુકસાન થઇ રહ્યું છેે. તદઉપરાંત સરકારી કર્વાટરમાં રહેતા અને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓની સાથે માર્ગ પરથી આવાગમન કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી પડી રહી છે. માર્ગ પર કેરણ અને કાટમાળના ખડકલાથી શું આ રીતે શહેર કચરામુકત બનશે?, આને ગાર્બેજ ફ્રી સીટી કહેવાય તે સળગતા સવાલ શહેરીજનો મનપાના અધિકારીઓને પૂછી રહ્યા છે. ત્યારે તળાવની એકબાજુના માર્ગ પર કેરણ અને કાટમાળના ઢગલા કરનાર શખ્સો સામે દંડનીય પગલાં લેવાશે કે પછી કુલડીમાં ગોળ ભાંગીને છાવરવામાં આવશે તે જોવાનું રહ્યું.