દ્વારકા: રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારિયાને સંસદીય સ્થાયી સમિતિમાં સ્થાન અપાયું
ટેકસટાઇલ, શ્રમ અને સ્ટીલ ડેવલોપમેન્ટ સંબંધિત સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક
તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા ખંભાળિયાના વતની અને ભાજપના નેતા જીતેન્દ્રભાઈ કણઝારિયાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની સંસદીય જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સંસદની ટેક્સટાઈલ, શ્રમ (લેબર) અને સ્કિલ ડેવલપમેન્ટ સંબંધિત સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સંસદીય સ્થાયી સમિતિઓ સંસદની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિવિધ મંત્રાલયો સાથે સંબંધિત નીતિઓ, યોજનાઓ, કાયદાકીય પ્રસ્તાવો અને કામગીરીની સમીક્ષા કરી સરકારને જરી સૂચનો અને ભલામણો આપવાનું કામ આ સમિતિઓ દ્વારા કરવામાં આવે છે. આવી મહત્વપૂર્ણ સમિતિમાં જીતેન્દ્રભાઈ કણઝારિયાને સ્થાન મળતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
જીતેન્દ્રભાઈ કણઝારિયા તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમને પ્રથમ વખત કેન્દ્ર સ્તરે મહત્વપૂર્ણ સંસદીય જવાબદારી સોંપવામાં આવી છે. ટેક્સટાઈલ ઉદ્યોગ, શ્રમિકોના હિતો તેમજ કૌશલ્ય વિકાસ જેવા દેશના વિકાસ માટેના મહત્વના વિષયો સાથે જોડાયેલી સમિતિમાં તેમની નિમણૂંકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.તેમની આ નિમણૂંક બાદ ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તેઓ સમિતિમાં સક્રિય ભૂમિકા ભજવી પ્રદેશ તેમજ દેશના હિતના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરશે.