કુરંગાની પ્રાથમિક શાળાની સિદ્ધિ બદલ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડસનું પ્રમાણપત્ર એનાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રી કુરંગા પ્રાથમિક શાળાની પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. શાળાના બાળકો અને આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાયેલા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન તેમજ ઈકો-બ્રિક્સ નિર્માણની પ્રવૃત્તિની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા નોંધ લેવામાં આવી છે.
શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી તેમાંથી ઈકો-બ્રિક્સ તૈયાર કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત બિનઉપયોગી પ્લાસ્ટિક બોટલમાંથી સાવરણા સહિતની ઉપયોગી વસ્તુઓ તૈયાર કરી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
આ સિદ્ધિ બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર દ્વારકાના શિક્ષણવિદ્, લેખક તથા નિવૃત્ત પ્રોફેસર ઈશ્વરભાઈ પરમારના હસ્તે શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈશ્વરભાઈ પરમારે તન્વીબેનને અભિનંદન પાઠવી પર્યાવરણ જાળવણી માટે શાળા દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાતની વિવિધ શાળાઓના અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓએ ૬ લાખ જેટલી પ્લાસ્ટિક બોટલો એકત્ર કરી ઈકો-બ્રિક્સનું નિર્માણ કર્યું છે. વિદ્યાર્થીઓની આ સામૂહિક કામગીરીની નોંધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી છે.
આ અભિયાનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં માત્ર પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાની જાગૃતિ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.