BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના સાત અડ્ડાઓ પર પોલીસના દરોડા

  • September 24, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના સાત અડ્ડાઓ પર પોલીસના દરોડા

મહિલાઓ સહિત ૪૧ શખ્સો ઝડપાયા: વાહનો-રોકડ મળી ૯.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી લાલઆંખ હેઠળ એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ટીમોએ અલગ-અલગ સાત સ્થળોએ દરોડા પાડી પત્તા ટીંચતા કુલ ૪૧ જેટલા જુગારીઓને ઝડપી લીધા છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ભાણવડ તાલુકાના વાનાવડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં ધમધમતા મોટા જુગારધામ પર ત્રાટકી સફળ કાર્યવાહી કરી હતી. અહીં મનદીપભાઈ પ્રવિણભાઈ કટારીયા પોતાની માલિકી/કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમી મળતાં રેઇડ કરવામાં આવી હતી. પોલીસે વાડી માલિક મનદીપભાઈ ઉપરાંત દેવાયતભાઈ દેસુરભાઈ રાવલીયા, રામદેવસિંહ નટુભા જેઠવા, હરપાલસિંહ હમીરજી જાડેજા (રહે. ધુર, તા. જામજોધપુર), રાજેશભાઈ સામતભાઈ રાવલીયા, યુવરાજસિંહ બાલુભા જાડેજા તેમજ મનિષાબેન ઉર્ફે મોતીબેન સામતભાઈ કાંબરીયા સહિત સાત પત્તાપ્રેમીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. એલસીબીએ આ સ્થળેથી રોકડા ૧,૦૫,૧૫૦, પાંચ મોબાઇલ ફોન ( ૨૫,૦૦૦), એક મોટરસાયકલ (૨૫,૦૦૦) અને એક ઇકો કાર (૧,૦૦,૦૦૦) મળી કુલ ૨,૫૫,૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

બીજી તરફ, ખંભાળીયા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ ત્રાટકી ૧૨ શખ્સોને દબોચી લીધા હતા. જેમાં ખંભાળીયા તાલુકાના બેરાજા ગામની વેદમતી નદી કાંઠે દેવાતભાઈ મારખીભાઈ માડમના તબેલા પાસે લાઇટના અજવાળે જુગાર રમી રહેલા જામનગર અને બેરાજા ગામના કરશનભાઈ નારણભાઈ ચાવડા, હેમતભાઈ દેવરખીભાઈ માડમ, ગોવીંદભાઈ મારખીભાઈ માડમ, ભાવેશભાઈ રણમલભાઈ ચાવડા, પરેશભાઈ સામતભાઈ બેરા અને હેમતભાઈ રામદેભાઈ માડમ નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા ૨૮,૭૮૦ ચાર મોબાઇલ ફોન અને બે બાઇક મળી કુલ ૮૩,૭૮૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે ખંભાળીયા તાલુકાના જ નાના આસોટા ગામના કટકી વાડી વિસ્તારમાં ધર્મેશ રામાવતની વાડી પાસે ખુલ્લી જગ્યામાં કૂવા નજીક જુગાર રમતા દેવાયતભાઈ મારખીભાઈ માડમ, ભીમશીભાઈ નાથાભાઈ ચાવડા, મેરૂભાઈ રામદેભાઈ માડમ, શ્યામભાઈ સુરાભાઈ ચાવડા, હરદાસભાઈ ભીખાભાઈ ચાવડા અને પ્રેમજીભાઈ મુળજીભાઈ નકુમ નામના છ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ૨૧,૩૨૦, પાંચ મોબાઇલ અને ચાર મોટરસાયકલ મળી કુલ  ૧,૨૧,૩૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત સલાયા મરીન પોલીસ દ્વારા ખંભાળીયા તાલુકાના ઉગમણા બારા ગામની રાઘાણી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર રોડ પર તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ચંદુભા અલીયાજી જાડેજા, અશોકસિંહ તખુભા જાડેજા અને ચંદુભા કાનાજી જાડેજા નામના ત્રણ સ્થાનિક ખેડૂત શખ્સોને ઝડપી લેવાયા હતા. પોલીસે પટમાંથી રોકડા  ૧૪,૨૩૦ તથા ત્રણ મોબાઇલ ફોન (૧૫,૦૦૦) મળી કુલ  ૨૯,૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય દરોડામાં, એલસીબી પોલીસે ભાણવડ તાલુકાના વાનાવડ ગામની સીમમાં મનદિપભાઇ પ્રવિણભાઇ કંટારીયાની વાડીએ આવેલા રહેણાક મકાન પર છાપો માર્યો હતો. ત્યાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતી રોન પોલીસનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે વાડી માલિક મનદિપ કંટારીયા, દેવાયત રાવલીયા, રામદેવસિંહ જેઠવા, હરપાલસિંહ જાડેજા, રાજેશ રાવલીયા, યુવરાજસિંહ જાડેજા તેમજ મનિષાબેન ઉર્ફે મોતીબેન સામતભાઇ કાંબરીયા સહિત સાત શખ્સોને પકડી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂ. ૧,૦૫,૧૫૦, ૫ મોબાઈલ ફોન (કિ.રૂ. ૨૫,૦૦૦), એક મોટરસાયકલ (કિ.રૂ. ૨૫,૦૦૦) અને એક ઇકો કાર (કિ.રૂ. ૧,૦૦,૦૦૦) મળી કુલ રૂ. ૨,૫૫,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

તદ્દઉપરાંત એલસીબી ટીમે દ્વારકા તાલુકાના કુરંગા ગામની સીમમાં જોધાભાઇ વાલાભાઇ લુણાની વાડીમાં ચાલતા જુગારધામ પર રેઇડ કરી હતી. પોલીસે વાડી માલિક જોધાભાઇ લુણા સહિત સુભાષ પીઠીયા, જીવાભાઇ ઉર્ફે જીલો મુન, ખીમાભાઇ વારસાકીયા, હમીરભાઇ ઉર્ફે હમલો ચાવડા, બાલુભાઇ ઉર્ફે કાનો ગુજજર અને દેશુરભાઇ ચાવડા નામના સાત ઇસમોને ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૫૪,૪૦૦, ૬ મોબાઈલ ફોન (કિ.રૂ. ૨૧,૦૦૦) અને એક મારુતિ સ્વિફ્ટ કાર (કિ.રૂ. ૧,૫૦,૦૦૦) મળી કુલ રૂ. ૨,૨૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી દ્વારકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

કલ્યાણપુર પોલીસે ભાટીયા ગામના શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા નાથાભાઇ ઘેલાભાઇ ફફલ, જયદાનભાઇ ઉર્ફે જગુ વરમલ, ભરતભાઇ બાબુભાઇ ગોડલીયા, રમેશભાઇ ગોપાલભાઇ કારીયા અને હમીરભાઇ નુંઘાભાઇ ધમા નામના પાંચ શખ્સોને રોકડા રૂ. ૬,૨૭૦  સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કુલ ૭ સ્થળે જુગારના અડ્ડા પર દરોડા પાડી ૯.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ મહિલાઓ સહિત ૪૧ જેટલા પતાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application