સલાયા સર્વિસ રોડથી હાઈવે જોડતા રસ્તા પર ખાડો
વાહનચાલકોમાં અકસ્માતનો ગંભીર ભય: હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી
સલાયા-ખંભાળિયા ફાટક પાસે હાલ અંડરબ્રિજનું કામકાજ ચાલી રહ્યું હોવાથી મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ કારણે સલાયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોએ ફરજિયાતપણે નેશનલ હાઇવે પરથી ખંભાળિયા તરફ એન્ટ્રી લેવી પડે છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોના માથે દરરોજ જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
સલાયા ચાર રસ્તાથી સર્વિસ રોડ જ્યાં મુખ્ય નેશનલ હાઇવે સાથે જોડાય છે, તે જ પોઇન્ટ પર એક અત્યંત મોટો અને જોખમી ખાડો પડી ગયો છે. આ વ્યસ્ત માર્ગ પરથી દિવસ-રાત નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે, પરંતુ રાત્રિના અંધારામાં આ ખાડો સ્પષ્ટ દેખાતો ન હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ઉપરાંત, સર્વિસ રોડ અને મુખ્ય હાઇવેને જોડતો આ રસ્તો તદ્દન કાચો છે અને રોડ સાઇડ પણ ઘણી ઊંચી-નીચી છે. આવા ખરાબ રસ્તાના કારણે દ્વિચક્રી વાહનો સ્લિપ થવાના બનાવો અવારનવાર બની રહ્યા છે, જેમાં બાઇક અને સ્કૂટર ચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી રહી છે.
સ્થાનિકો અને વાહનચાલકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી આ ગંભીર બાબતને ધ્યાને લઈ વહેલી તકે વચમાં આવેલો આ જોખમી ખાડો પૂરી દે અને રસ્તાનું સમારકામ હાથ ધરે. સાથે જ, જ્યાં સુધી કાયમી સમારકામ ન થાય ત્યાં સુધી કોઈ મોટી જાનહાનિ અટકાવવા માટે તાત્કાલિક અસરથી ત્યાં બેરીકેટ્સ મૂકીને વાહનચાલકોને ચેતવણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે.