BREAKING NEWS

જામનગર: રાહત, શહેરને પાણી પુરૂ પાડતા ઉંડ-૧ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

  • July 24, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રાહત, શહેરને પાણી પુરૂ પાડતા ઉંડ-૧ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

હાશકારો: સૌની યોજના હેઠળ આજી-૩ ડેમમાં નર્મદાનું ૧૫૦ એમસીએફટી પાણી ઠલવાઇ ગયું તો આજી-૨ ડેમના દરવાજા ખોલાતા નવા નીરની આવક

નર્મદાના પાણી સાથે મેઘમહેરના કારણે ધીમે-ધીમે હળવું થતું જામનગરનું જળસંકટ: પાણીની મોકાણ ન સર્જાય તે માટે કરકસરની સાથે વેડફાટ અટકાવવો જરૂરી

જામનગર શહેરને પાણી પુરૂ પાડતા ઉંડ-૧ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ થતા મનપાના તંત્રની સાથે શહેરીજનોએ રાહત અનુભવી છે. સૌની યોજના હેઠળ આજી-૩ ડેમમાં નર્મદાનું ૧૫૦ એમસીએફટી પાણી ઠલવાઇ ગયું છે તો આજી-૨ ડેમના દરવાજા ખોલાતા નવા નીરની આવક પણ ડેમમાં થઇ છે. સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સાથે મેઘમહેરના કારણે ધીમે-ધીમે શહેરનું જળસંકટ હળવું  થઇ રહ્યું છે. જો કે, પાણીની મોકાણ ન સર્જાય તે માટે કરકસરની સાથે વેડફાટ અટકાવવો આજના સમયની માંગ છે. 

જામનગરમાં ચાલુ વર્ષે વિધિવત ચોમાસાના આગમન બાદ પણ મેઘરાજા હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. બીજી બાજુ શહેરને પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમમાં સપ્ટેમ્બર મહીના સુધી તો અન્ય જળાશયોમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલી જળરાશી ઉપલબ્ધ છે. આથી શહેરમાં જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે.  જો કે, મનપાના પદાધિકારીઓ દ્વારા સંભવિત જળસંકટને પહોંચી વળવા શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવા પાણી પુરવઠા વિભાગના મંત્રી સહીત અન્ય સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં ચાર લીંક પાઇપલાઇન મારફત ૧૧૫ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે છે. સૌની યોજનાની લીંક-૧ ના પેકેજ-૩ હેઠળ રાજકોટના પડધરી તાલુકાના ખજૂરડી ગામે આવેલા આજી-૩ ડેમથી જામનગર જિલ્લાના નંદપુર ગામે આવેલા ઉંડ-૧ ડેમ સુધી પાણી પહોંચે છે. જયારે લીંક-૧ના પેકેજ-૪ હેઠળ ઉંડ-૧ માંથી પીપરટોડા ગામે પંપહાઉસ સુધી, લીંક-૧ પેકેજ-૫ હેઠળ પીપરટોડા પંપહાઉસથી વીંજલપર ગામે સાની નદી સુધી નર્મદાના નીર પહોંચે છે. મોરબીના મચ્છુ ડેમમાં પાણીનુ લેવલ અપ થતા ગત રવિવારથી  પમ્પીંગ કરી આજી-૩ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ થયું છે. અત્યાર સુધીમાં એટલે કે પાંચ દીવસમાં આજી-૩ ડેમમાં સૌની યોજના હેઠળ ૧૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાઇ ચૂકયું છે. આટલું જ નહીં બે દીવસથી મેઘરાજાએ હેત વરસાવાનું શરૂ કરતા આજી-૨ ડેમમાં નવા નીરની વિપુલ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી આ ડેમનું ૫૦૦૦ કયુસેક જેટલું  પાણી પણ આજી-૩ ડેમમાં આવ્યું છે. જેના કારણે આજી-૩ ડેમમાંથી શુક્વારે સવારથી ઉંંડ-૧ ડેમમાં સૌની યોજનાની લીંક મારફત પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

​​​​​​​આથી જામનગર શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર  ઠલવવાનું  શરૂ થતાં મહાનગરપાલીકાના અધિકારીઓ અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. આટલું જ નહીં નર્મદાના નીરની સાથે મેઘરાજાએ પણ રહી રહીને મહેર શરૂ કરતા શહેરનું જળસંકટ ધીમે ધીમે હળવું થઇ રહ્યું છે. શહેરની પાણી પુરૂ પાડતા  આજી-૩ ડેમમાં ૨૦૦ એમસીએફટી, ઉંડ-૧ ડેમમાં ૨૦૦ એમસીએફટી અને સસોઇ ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાનું આયોજન છે. આગામી દીવસોમાં સસોઇ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application