રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જામનગરનું ગૌરવ: પ્રગતિ ટાંક ચિત્રકલામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ
મોરબી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રી સત્યસાંઈ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ મેળવી ઝળહળતી સફળતા મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે.ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ- ૨૦૨૫-૨૬' અંતર્ગત જામનગરની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું છે. મોરબી જિલ્લા ખાતે ગત તા.૦૮/૦૨/૨૦૨૬ના રોજ યોજાયેલ આ રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરની કલા પ્રતિભા ખીલી ઉઠી છે.
આ સ્પર્ધામાં જામનગરની શૈક્ષણિક સંસ્થા શ્રી સત્યસાંઈ વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રગતિ પ્રતિકકુમાર ટાંકે ચિત્ર સ્પર્ધામાં પોતાની અદભૂત કલા અને મૌલિકતાનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા અનેક પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે પ્રગતિ ટાંકે પોતાની ચિત્રકલાના જોરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
વિદ્યાર્થિનીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર, જામનગરનું કલા જગત અને શિક્ષણ વિભાગ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બાળ પ્રતિભા શોધ જેવી સ્પર્ધાઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, પ્રગતિની આ સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.