દીપડાના આંટાફેરાનો વિડીયો વાયરલ થતાં વનતંત્ર દોડતું થયું
કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમ વિસ્તારમાં પુન: દીપડો દેખાતાં વનવિભાગ દોડતું થયું છે અને ખરેખર દીપડો છે કે કેમ તેની ખરાઇની કવાયત હાથ ધરી છે. વનવિભાગની તપાસમાં બકરીના પર ઇજાના નિશાન પણ મળ્યા છે પરંતુ દીપડા કે અન્ય પ્રાણીનો હુમલો છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે. દીપડાના આંટાફેરાની વીડીયો વાયરલ થતાં વન તંત્ર દોડતું થયું છે તો ગ્રામ્ય પંથકમાં ફફડાટ ફેલાયો છે.
કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમ તથા જંગલ વિસ્તારમાં દીપડાના આંટાફેરાના અહેવાલથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ખાસ કરીને સીમ વિસ્તારમાં અવરજવર કરતા ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના આંટાફેરાનો વીડિયો પુન: વાયરલ થતાં વનવિભાગ દ્વારા પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમ્યાન બકરીના શરીર પર કોઇ પ્રાણીએ હુમલો કર્યો હોય તેવા ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. ત્યારે દીપડા કે અન્ય પ્રાણીએ હુમલો કર્યો છે કે તે અંગે તપાસ હાથ ધરી છે. દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડવા માટે વનતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.માછરડા ગામની સીમમાં દીપડો દેખાવાની ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીની અવરજવર અંગે ચિંતા પ્રસરી છે. આથી સ્થાનિક લોકોને સાવચેત રહેવાની અને સીમ વિસ્તારમાં અવરજવર કરતી વખતે તકેદારી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. અત્રે નોંધનીય છે કે, થોડા દીવસો પૂર્વ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયાનો વીડીયો વાયરલ થતાં વનતંત્ર ધંધે લાગ્યું હતું. પરંતુ દીપડાના કોઇ સગડ મળ્યા ન હતાં. આટલું જ નહીંં આ પૂર્વે સીંહણ દેખાઇ હોવાનો વીડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ તે એઆઇ જનરેટેડ એટલે કે કાયદાથી સંઘર્ષિત કીશોરે પરિજનને ડરાવવા બનાવ્યો હોવાનું ખૂલ્યું હતું. આથી દીપડાનો વીડીયો કે જેમાં તે ખૂબજ નજીક દેખાતો હોય આ વીડીયો અંગે પણ વનવિભાગ દ્વારા ખરાઇ હાથ ધરવામાં આવી છે.