↵
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન: ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતી તથા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર
સરકારી ઇમારતો, વિવિધ માર્ગો તથા સર્કલ્સ પરની રોશની થકી શહેરભરમાં દિવાળી જેવો માહોલ
તા. ૧૦મીની સાંજે ૭.૩૦ કલાકે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ યોજાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તા. ૧૦મીની રાત્રે અંદાજે ૦૭.૩૦ કલાકે લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે તથા સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ નૃત્ય, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો તથા ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.