BREAKING NEWS

જામનગરના સાહિત્યકાર ડૉ.સતિષચંદ્ર વ્યાસને પ્રતિષ્ઠિત 'દર્શક એવોર્ડ' એનાયત

  • October 19, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સાહિત્યકાર ડૉ.સતિષચંદ્ર વ્યાસને પ્રતિષ્ઠિત 'દર્શક એવોર્ડ' એનાયત

કુમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા 'રવિ - ગગનની ગોઠડી' નવલકથા માટે મળ્યું સન્માન
​​​​​​​

જામનગરના વરિષ્ઠ સાહિત્યકાર લેફ્ટનન્ટ ડૉ. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ'ને સાહિત્ય ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વધુ એક ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કુમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા તેમના બહુચર્ચિત પુસ્તક 'રવિ - ગગનની ગોઠડી'ને નવલકથા વિભાગમાં પ્રતિષ્ઠિત 'દર્શક એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત થતાં જામનગરના કલા અને સાહિત્ય જગતમાં આનંદની લહેર છવાઈ ગઈ છે અને નગરના ગૌરવમાં અભિવૃદ્ધિ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ડૉ. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' લિખિત નવલકથા 'રવિ - ગગનની ગોઠડી'માં વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અનેક અલ્પપ્રસિદ્ધ અને અસ્પૃશ્ય રહ્યાં હોય તેવા મહત્વપૂર્ણ પ્રકરણોને ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. આ કૃતિને સાહિત્યિક વર્તુળોમાં ભારે આવકાર મળ્યો છે.

ડૉ. વ્યાસની આ સાહિત્યિક યાત્રા અનેક સફળતાઓથી ભરેલી રહી છે. આ પૂર્વે પણ તેમને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી અત્યંત સન્માનનીય 'અરવિંદ સુવર્ણચંદ્રક' એનાયત થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત તેમના 'બાઉલ ગીતો' પરના પુસ્તકને પણ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

સાહિત્ય ક્ષેત્રે સતત સક્રિય અને સમર્પિત એવા ડૉ. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ'ને વધુ એક ગૌરવવંતો એવોર્ડ એનાયત થતાં જામનગરના સાંસ્કૃતિક અને કલા વિશ્વની ગરિમા બુલંદ બની છે. શહેરના સાહિત્યપ્રેમીઓ, બુદ્ધિજીવીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application