જામનગરની ફટાકડા બજારમાં ૩૦ થી ૪૦ ટકા ભાવ વધારાનો ધડાકો
શહેરમાં ચાઇનીઝ ફટાકડાની નો એન્ટ્રી, સ્વદેશી આઇટમોની બોલબાલા : ફેન્સી આઇટમોનો વધતો ક્રેઝ
ફટાકડા બજારને પણ લાગ્યું મંદીનું ગ્રહણ : રૂ.૧૦ થી ૧૫ હજાર સુધીના ફટાકડા ઉપલબ્ધ: દક્ષિણ ભારતમાં ચુંટણી પ્રક્રીયાને લઇને ફટાકડાની આવક ઓછી : છેલ્લા દિવસોમાં માંગ નીકળવાની આશા
દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરના ફટાકડા બજારમાં આ વર્ષે તેજી-મંદીનો મિશ્ર માહોલ સર્જાયો છે. હાલાર પંથકમાં વરસાદની ખેંચથી ઉદ્ભવેલી દુષ્કાળની સ્થિતિ અને સાઉથમાં ચૂંટણીના પગલે ઉત્પાદન ખોરવાતા શિવાકાશીથી માલની ૫૦ ટકા જેટલી અછત સર્જાઈ છે, જેને પગલે ફટાકડાના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. તોતિંગ ભાવવધારાના કારણે ગ્રાહકોની ખરીદીમાં આશરે ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં, બજારમાં બાળકો માટે પીઝા, ડોરેમોન જેવી અવનવી આઇટમો અને યુવાનોમાં વી-શેપ સ્કાયશોટ્સનું જોરદાર આકર્ષણ જોવા મળી રહ્યું છે. ચાઇનીઝ ફટાકડાને સંપૂર્ણ તિલાંજલિ આપી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ માત્ર ઇકો-ફ્રેન્ડલી સ્વદેશી ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે તહેવારના સેલિબ્રેશન વચ્ચે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવાની ઘેલછામાં અકસ્માત ન સર્જાય તે માટે વેપારીઓ દ્વારા નાગરિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરાઈ છે.
રોશનીના પર્વ દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરના ફટાકડા બજારમાં આ વર્ષે મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વર્ષોથી ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા જાણીતા વેપારી નાગોરી ફટાકડાવાળા મુન્નાભાઈ નાગોરીએ આજકાલના પત્રકાર તેજસ ગજરા સાથેની ખાસ વાતચીતમાં બજારની વાસ્તવિક સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના પરિણામે સામાન્ય અને મધ્યમ વર્ગની ખરીદી પર સીધી અસર પડતાં બજારમાં આશરે ૩૦ ટકા જેટલો ઘટાડો અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વેપાર ઘટવા પાછળનું મુખ્ય કારણ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વરસાદની ભારે ખેંચ અને સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિ તેમજ અન્ય આર્થિક પરિબળો છે. આ ઉપરાંત દેશમાં સૌથી વધુ ફટાકડાનું ઉત્પાદન કરતા દક્ષિણ ભારતમાં થોડા સમય પૂર્વે યોજાયેલી ચૂંટણીઓના કારણે ફટાકડા બનાવવાની કામગીરી લગભગ બે મહિના સુધી બંધ રહી હતી. ઉત્પાદન અટકી જતાં આ વર્ષે શિવાકાશી સહિતના ઉત્પાદન કેન્દ્રોમાંથી બજારમાં ૫૦ ટકા જેટલો ઓછો માલ સપ્લાય થયો છે, જેણે સીધો જ ભાવવધારો નોતર્યો છે.
મોંઘવારી અને અછતના આ માહોલ વચ્ચે પણ બાળકો અને શોખીન યુવાનો માટે બજારમાં અવનવી અને આકર્ષક આઇટમો ધૂમ મચાવી રહી છે. નાગોરી ફટાકડા ખાતે માત્ર રૂ. ૧૦ થી લઈને રૂ. ૧૫,૦૦૦ સુધીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાઈ છે. ખાસ કરીને ભૂલકાઓ માટે આ વખતે ક્રિકેટ બેટ, કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન, સ્પિનર, પિન્કલ પાઇ, પીઝા અને ચિમ્પાન્ઝી જેવા ફેન્સી તેમજ અનોખા આકાર ધરાવતી નવીન આઇટમોનું આગમન થયું છે, જે બાળકોમાં ભારે ઘેલું લગાડી રહી છે. જ્યારે યુવા વર્ગમાં આકાશમાં જઈને વી-શેપમાં રંગબેરંગી રોશની વિખેરતા અદ્યતન સ્કાયશોટ્સનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રીય હિત અને પર્યાવરણને પ્રાધાન્ય આપતા મુન્નાભાઈ નાગોરીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના સ્ટોર્સમાં એકપણ ચાઇનીઝ ફટાકડાનું વેચાણ કરવામાં આવતું નથી. તમામ આઇટમો શિવાકાશી અને દેશના અન્ય અગ્રણી ઉત્પાદક મથકોએથી મંગાવાયેલી ૧૦૦ ટકા સ્વદેશી બનાવટની છે. આ કપરી આર્થિક પરિસ્થિતિમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારજનોના ખિસ્સા પર વધુ ભારણ ન પડે તે હેતુથી શિવાકાશીથી સીધો માલ મંગાવીને વ્યાજબી અને નજીવા નફા સાથે ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને માત્ર ઓછા અવાજ અને ઓછા ધુમાડાવાળા પ્રમાણિત ગ્રીન ફટાકડા જ વેચવામાં આવી રહ્યા છે તેમજ દુકાન ખાતે સરકારી ધારાધોરણો મુજબ ફાયર સેફ્ટીના તમામ નવા નિયમોની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
તહેવારની ઉજવણી સંદર્ભે મુન્નાભાઈ નાગોરીએ જામનગરવાસીઓને વિશેષ અપીલ કરતાં જણાવ્યું હતું કે, દિવાળી એ ખુશીઓ અને ઉમંગનો પર્વ છે તેથી ઉત્સાહભેર તહેવાર માણો પરંતુ ફટાકડા ફોડતી વખતે પૂરેપૂરી સાવચેતી અને સલામતી રાખવી અનિવાર્ય છે. ખાસ કરીને નાના બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે માતા-પિતા અને પરિવારના વડીલોએ તેમની સાથે હાજર રહીને ખાસ કાળજી રાખવી જોઈએ. વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો અને બાળકો ફટાકડા ફોડતી વખતે અવનવા સ્ટંટ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે વીડિયો બનાવવાની ઘેલછામાં મુકાતા હોય છે, જેના કારણે ગંભીર દાઝી જવા કે આગ અકસ્માત થવાનું જોખમ રહેલું છે. તેથી રીલ્સ બનાવવાના ચક્કરમાં કોઈ જાનમાલનું નુકસાન કે દુર્ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખીને દરેક જામનગરવાસીઓને સલામત રીતે રોશનીના પર્વની ઉજવણી કરવી જોઈએ.