દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જિલ્લામાં નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા શખ્સો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે લોકો સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
જેમાં જણાવાયા મુજબ જિલ્લામાં આવેલા ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ તથા ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ એમ કુલ ૨૧ ટાપુઓ ઉપર જે-તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૨૧ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.