BREAKING NEWS

જામનગરમાં નીટ પેપર લીક કાંડના વિરોધમાં ધરણા

  • May 20, 2026 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નીટ પેપર લીક કાંડના વિરોધમાં ધરણા

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા શર્ટ ઉતારી અનોખો વિરોધ પ્રદર્શન


દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં પણ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકર્તાઓ દ્વારા શહેરના વ્યસ્ત એવા ડી.કે.વી. સર્કલ પાસે એકત્રિત થઈને કેન્દ્રની ભાજપ સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કાર્યકર્તાઓએ પોતાના શર્ટ ઉતારીને અર્ધનગ્ન હાલતમાં બેસી એક અનોખો અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો.

આ આંદોલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને એનએસયુઆઇ ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો જોવા મળ્યા હતા, જેમાં નીટ યુજી ૨૦૨૬ મહેનત હારી, માફિયા અને સરકાર જીતી! જ્યાં જ્યાં ભાજપ સરકાર, ત્યાં ત્યાં પેપર લીક કારોબાર! તેમજ માફિયા રાજ ખતમ કરો, છાત્રોને ન્યાય દો જેવા સૂત્રો લખીને તીખો પ્રહાર કરવામાં આવ્યો હતો.

કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર થતા પેપર લીકના કારણે દિવસ-રાત મહેનત કરતા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે અને શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે. પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનેલા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે જામનગર યુવક કોંગ્રેસે આંદોલન તેજ કરવાની ચીમકી આપી છે.

જામનગરમાં ડીકેવી સર્કલ ખાતે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ નીટ પેપર લીક કાંડના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા જેમાં ડો. તોસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, સહારાબેન મકવાણા, મહીપાલસિંહ જાડેજા (ડાડા) તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application