દેવભૂમિ દ્વારકાના સંગીત ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ
ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પ્રમાણપત્ર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગીત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટભાટીયા સંચાલિત અને ગુજરાત સરકાર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠને આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિને જિલ્લાના સંગીત ક્ષેત્ર માટે ઐતિહાસિક ઉપલબ્ધિ તરીકે આવકારવામાં આવી રહી છે.
વિદ્યાપીઠના ગુજરાતભરમાં કુલ ૧૩ માન્ય પરીક્ષા કેન્દ્રો કાર્યરત છે. સુરત, તળાજા, બોટાદ, જામનગર, ખંભાળિયા, દ્વારકા, ભાટીયા સહિત વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ યોજાઈ રહી છે. ગુણવત્તાયુક્ત સંગીત શિક્ષણ સાથે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવાના પ્રયાસોને પણ આ માન્યતાથી નવી ઓળખ મળી છે.
શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભારત સરકારના પર પણ નોંધાયેલ છે. ભાટીયાથી શરૂ થયેલી આ સંગીતસેવા હવે ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચીને ભારતીય શાસ્ત્રીય સંગીત અને સાંસ્કૃતિક પરંપરાને જાળવવામાં યોગદાન આપી રહી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ તથા પરીક્ષામંત્રી અને ગુજરાત સરકારના રજિસ્ટર્ડ કલાકાર કમલેશભાઈ આર. બથીયા તેમજ સમગ્ર વિદ્યાપીઠ સમિતિને સંગીતપ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. દ્વારકાધીશની પાવન ભૂમિમાંથી સંગીત શિક્ષણને ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડતી આ સિદ્ધિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસ્કૃતિક ક્ષેત્ર માટે પણ ગૌરવરૂપ બની છે.