BREAKING NEWS

દ્વારકા બરડીયા હાઈવે પર ખૂંટિયાના કારણે પીએસઆઈની કારને અકસ્માત નડયો

  • June 06, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા બરડીયા હાઈવે પર ખૂંટિયાના કારણે પીએસઆઈની કારને અકસ્માત નડયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા ઢોર અને ખૂંટિયાઓનો વધતો ત્રાસ હવે માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પરંતુ સરકારી અધિકારીઓ માટે પણ ગંભીર જોખમરૂપ બની રહ્યો છે. ગુરુવારે સાંજે દ્વારકાથી બરડીયા વચ્ચેના મુખ્ય હાઈવે પર ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એમ.આર. બારડની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી મુજબ મહિલા પીએસઆઈ પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે હાઈવે પર અચાનક એક ખૂંટિયો આડો ઉતરી આવતાં તેમની કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બોનેટ પણ વળી ગયું હતું. જોકે કારમાં રહેલી સલામતી વ્યવસ્થાના ભાગરૂપે એરબેગ્સ સમયસર ખૂલી જતાં મહિલા પીએસઆઈનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.

આ ઘટનાએ ફરી એકવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના વધતા આતંકનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ખાસ કરીને મુખ્ય હાઈવે અને વ્યસ્ત માર્ગો પર ખૂંટિયાઓ તથા ઢોર અવારનવાર રસ્તા પર આવી જતાં જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અગાઉ પણ આવા અનેક બનાવોમાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
​​​​​​​
સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આ મુદ્દે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે રખડતા પશુઓના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application