BREAKING NEWS

દ્વારકા​​​​​​​: કલ્યાણપુરમાં વિજતંત્રના અણઘડ વહીવટથી જનતા ત્રાહિમામ

  • June 10, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

દ્વારકા​​​​​​​: કલ્યાણપુરમાં વિજતંત્રના અણઘડ વહીવટથી જનતા ત્રાહિમામ

ચેકિંગ-ઉઘરાણા માટે સ્ટાફ હાજર, પણ મેન્ટેનન્સના નામે મીંડું

પૂર્વ સૂચના વગર પાવર કટ્ટ થતાં સરકારી કચેરીઓ, હોસ્પિટલ, બેંકોમાં કામગીરી ખોરવાઈ


જામકલ્યાણપુર તાલુકા મથકે પીજીવીસીએલ તંત્રની જોહુકમી, આડોડાઈ ભર્યા વહીવટ અને ગ્રાહક વિરોધી નીતિ સામે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વીજ કંપની પાસે ગ્રાહકોને ત્યાં ચેકિંગ કરવા માટે રાજકોટથી ખાસ સ્ક્વોડ બોલાવવાની સુવિધા છે. તેમજ માર્ચ મહિનામાં પોતાના ટાર્ગેટ પૂરા કરવા કડક ઉઘરાણું કરવા માટે પણ પૂરતો સ્ટાફ રાત-દિવસ દોડતો કરી દેવાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે લાઈનોના રેગ્યુલર મેન્ટેનન્સ (જાળવણી) કરવાની વાત આવે ત્યારે સ્ટાફની અછતનું બહાનું ધરી દેવામાં આવે છે. વીજ કંપનીની આ બેધારી નીતિના કારણે સમગ્ર જામ કલ્યાણપુર પંથકના તમામ ગ્રાહકો અને સરકારી સંસ્થાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકારી દવાખાના હોસ્પિટલ અચાનક પાવર કટ થવાના કારણે દર્દીઓની સારવાર, ઈમરજન્સી સેવાઓ અને દવાઓ-રસીના કોલ્ડ સ્ટોરેજ જાળવવામાં ભારે મુશ્કેલી પડે છે.

તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ: તાલુકા મથકની આ મુખ્ય વહીવટી કચેરીઓમાં કલાકો સુધી પાવર ન હોવાથી ઓનલાઈન કામગીરી, દાખલાઓ અને સરકારી કામકાજ અટકી પડે છે. જેના કારણે દૂર-દૂરના ગામડેથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે.બેંકો અને શાળાઓ: બેંકોમાં કમ્પ્યુટર અને સર્વર ઠપ થઈ જતાં નાણાકીય વ્યવહારો અટકી જાય છે. બીજી તરફ, કલાકો સુધી લાઈટ ન હોવાથી શાળાઓમાં માસૂમ બાળકોને આકરા ઉનાળા અને બફારામાં ભણવું મુશ્કેલ બની જાય છે.

નિયમ મુજબ જ્યારે પણ વીજળી બંધ રાખવાની હોય ત્યારે ગ્રાહકોને અગાઉથી મોબાઈલ પર મેસેજ કે જાહેર સૂચના આપવાની હોય છે. પરંતુ જામ કલ્યાણપુરમાં કોઈ પણ જાતના મેસેજ મોકલ્યા વગર જ સીધો પાવર કટ કરી દેવામાં આવે છે. ચોમાસા પહેલા લાઈનોનું સમારકામ, ઝાડનું કટિંગ કે જર્જરિત વાયરો બદલવા માટે સ્થાનિક કક્ષાએ સ્ટાફ ક્યારેય ઉપલબ્ધ હોતો નથી. પરિણામે સામાન્ય પવન કે વરસાદમાં પણ મોટો ફોલ્ટ સર્જાય છે.

દરોડા પાડવા અને પૈસા વસૂલવા માટે રાજકોટથી પણ માણસો આવી જાય છે, પણ ગ્રાહકોની સુવિધા સાચવવા કે લાઈન રિપેર કરવા માટે સ્ટાફ મળતો નથી તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.નિયમિત અને આકરા વીજ બિલ ભરતા જામ કલ્યાણપુરના રહીશો વેધક સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ચેકિંગ અને ઉઘરાણા માટે તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોય, તો જનતાને પાયાની સુવિધા આપવા અને મેન્ટેનન્સ કરવા માટે સ્ટાફ કેમ નથી? પૂર્વ સૂચના વગર પાવર કાપવાની આ મનસ્વી નીતિ જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને વીજ પુરવઠો નિયમિત નહીં કરાય, તો આગામી દિવસોમાં જામ કલ્યાણપુરના તમામ નાગરિકો, વેપારીઓ અને સામાજિક સંગઠનો દ્વારા પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવાની ફરજ પડશે.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application