જામનગરમાં ચાર દાયકાથી સળગતા ગરબાની અનોખી પરંપરા જીવંત
જામનગરમાં ચાર દાયકાથી સળગતા ગરબાની અનોખી પરંપરા જીવંત
October 16, 2026 12:26 PM
જામનગરમાં ચાર દાયકાથી સળગતા ગરબાની અનોખી પરંપરા જીવંત
પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં ચામુંડા ગરબી મંડળના ૧૮ જેટલા યુવાનો સળગતી ઈંઢોણી સાથે ગરબા રમી કરે છે માતાજીની આરાધના
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતભરમાં અવનવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે, ત્યારે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી ચાલી આવતી સળગતા ગરબાની અનોખી પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. ચામુંડા ગરબી મંડળ દ્વારા નિભાવવામાં આવતી આ પરંપરામાં યુવાનો સળગતી ઈંઢોણી સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. આગની જ્વાળાઓ વચ્ચે ભક્તિ અને પરંપરાનો અદભુત સંગમ સર્જાતો હોવાથી આ ગરબી જામનગરવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
આધુનિક યુગમાં પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને લોકવારસાને જીવંત રાખવાની દિશામાં પંચેશ્વર ટાવર વિસ્તારના યુવાનો દ્વારા કરવામાં આવતો પ્રયાસ નોંધપાત્ર છે. છેલ્લા ચાર દાયકાથી ચાલી આવતી આ ગરબીમાં આશરે ૧૮ જેટલા યુવાનો સળગતા ગરબા અને ઈંઢોણી સાથે રાસ રમી માતાજીની આરાધના કરે છે. આગની વચ્ચે તાલબદ્ધ રીતે ગરબા રમતા યુવાનોની આ અનોખી રજૂઆત નિહાળવા જામનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. નવરાત્રિના દિવસોમાં ભક્તિભાવ અને પરંપરાગત લોકસંસ્કૃતિના માહોલ વચ્ચે યોજાતો આ સળગતા ગરબાનો રાસ વર્ષોથી લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. નવી પેઢી દ્વારા પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસને કારણે જામનગરની આ આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ આજે પણ જળવાઈ રહી છે.
ચામુંડા ગરબી મંડળ, જામનગરના અમિત માંડવીયાના જણાવ્યા મુજબ, વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સાથે લોકોની શ્રદ્ધા અને લાગણી જોડાયેલી છે. નવરાત્રિના પર્વ દરમિયાન સળગતા ગરબાની આ અનોખી પરંપરા જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની વિશેષ ઓળખ બની રહી છે.