BREAKING NEWS

જામનગર પંથકમાં ઇંગ્લીશ દારૂ અંગે દરોડા : પાંચ પકડાયા

  • September 09, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં ઇંગ્લીશ દારૂ અંગે દરોડા : પાંચ પકડાયા

શંકરટેકરી વિસ્તારમાં મકાનમાં દરોડો : એક ઝબ્બે : બે ના નામ ખુલ્યા : વિડિયો વાયરલ કરનારે માફી માંગી:સરમત પાટિયા પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે : ખારવા રોડ પર પરપ્રાંતીય અને નહેરૂનગરમાં એક શખ્સની અટક

જામનગર શહેરમાં પ્રોહિબિશન તથા જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત જામનગર એલ.સી.બી.ની ટીમે શંકરટેકરી વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૧૩ નંગ નાની ઈંગ્લીશ દારૂની બાટલી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૭૫૫નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં બે શખ્સના નામ ખુલ્યા હતા, સરમત પાટીયા પાસે પ બોટલ સાથે બે ઝપટે ચડયા હતા અને ખારવા રોડ ઉપર પરપ્રાંતીય શખ્સને ૧૦ ચપલા સાથે પકડી લીધો હતો તેમજ  એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર  વી.બી. ચૌધરીની દેખરેખમાં પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
​​​​​​​

આ દરમિયાન એલ.સી.બી.ના ધનશ્યામભાઈ ડેરવાળીયા તથા મયુદીનભાઈ સૈયદને મળેલી ખાનગી બાતમીના આધારે શંકરટેકરી નવી નિશાળ પાસે કરીમભાઈ વેલ્ડીંગવાળાની ગલીમાં રહેતા સદામહુશેન આદમભાઈ ખીરાના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩ નંગ બાટલી કિંમત રૂ.૧,૭૫૫ તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૩,૭૫૫નો મુદ્દામાલ મળી આવતા સદામહુશેન ખીરાને ઝડપી લેવામાં આવ્યો હતો. 

પોલીસ તપાસમાં દારૂનો જથ્થો લેવા જનાર જતીનભાઈ દામા, રહે. શંકરટેકરી, જામનગર તથા દારૂ સપ્લાય કરનાર દીપ સોંદરવા, રહે. શંકરટેકરી, સિદ્ધાર્થ કોલોની, જામનગર હોવાનું સામે આવતા બંનેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે દારૂબંધીને પડકારતો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો જેમાં શંકરટેકરી વિસ્તારમાં જોઇએ તેટલો દારુ મળી રહે છે તેવી વાત કરી પોલીસ કાર્યવાહી સામે બફાટ કરતો શખ્સ જોવા મળતા વાયરલ વિડીયો બાબતે તપાસ કરીને સદામહુશેનને પકડી લઇ આ બાબતે પુછપરછ કરતા વિડીયો બનાવ્યાની કબુલાત કરી હતી અને પોલીસની માફી માંગી હતી.

બીજા દરોડામાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ભેડેળાને મળેલી બાતમીના આધારે સરમત પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીમાં વર્ણવેલી મોટરસાઇકલ પસાર થતાં તેને રોકી તલાશી લેતા બંને શખ્સોની વચ્ચે રાખેલી કાળી પ્લાસ્ટિકની કોથળીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પાંચ કાચની બોટલ મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી મીતરાજસિંહ ઉર્ફે કારુ ડોલરસિંહ જાડેજા રહે. નાના લખીયા, તા.લાલપુર અને સ્વીભાઇ ઉર્ફે ગગો વિનેશપરી ગોસાઇ રહે. નાના લખીયાને ઝડપી લીધા હતા. બંને પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ અને અન્ય એક બોટલ મળી કુલ પાંચ બોટલ કબજે કરવામાં આવી હતી.

અન્ય દરોડામાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જાયવા ગામના પાટીયા પાસે બાતમી મળી હતી કે સરમરીયા દાદાના મંદિરથી ખારવા ગામ તરફ જતા માર્ગે એક શખ્સ વિદેશી દારૂ સાથે ઉભો છે. જેના આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડતાં પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલો શખ્સ મળી આવ્યો હતો.

પંચોની હાજરીમાં તેનું નામ અલકેશ ઝેતરા પચાયા (ઉંમર ૪૦), રહે. પુજારા ફળિયું, ફટા છોટી ગામ, તાલુકો ભાભરા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું ખુલ્યું હતું. તેના કબજાના બાચકાની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૧૮૦ મિલીલીટરની દારૂની ૧૦ નંગ દારૂ ની બાટલીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૧૫(એ)(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત શહેરના શંકરટેકરી, નહેરુનગરમાં રહેતા ધનંજય ભરત રાઠોડ નામના શખ્સને ઇંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે ભોગવટાના મકાનેથી પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application