જામનગર : ટ્રેનમાં ભૂલાયેલ ૩૭૦૦૦થી વધુની રકમ સાથેની બેગ યાત્રિકને પરત કરતી રેલ્વે પોલીસ
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ૧૮ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૯:૪૧ વાગ્યે ડિવિઝનલ સુરક્ષા નિયંત્રણ કક્ષ, રાજકોટ તરફથી સૂચના મળી હતી કે ટ્રેન નંબર ૨૨૯૨૩, બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ નંબર બી-૧૨માં સીટ નંબર ૩૦ પર મુસાફરી કરી રહેલા એક મુસાફરની બેગ વિરમગામ રેલવે સ્ટેશને ઉતાવળમાં ઊતરતી વખતે ટ્રેનમાં જ છૂટી ગઈ છે. આ સંદર્ભે મુસાફરે રેલ મદદ દ્વારા ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાં જ સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના સબ-ઇન્સ્પેક્ટર નટવરભાઈ સુમેરાએ મુસાફરનો સંપર્ક કર્યો હતો. મુસાફર ગણાત્રા અશ્વિને જણાવ્યું હતું કે તેઓ બાંદ્રા ટર્મિનસથી રાજકોટની મુસાફરી કરી રહ્યા હતા અને વિરમગામ સ્ટેશને ઊતરતી વખતે પોતાની નેવી બ્લૂ રંગની કાપડની બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા.
બેગમાં ૩૭,૯૫૯ રોકડ રકમ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, એચડીએફસી બેંકના ચાર ક્રેડિટ કાર્ડ, એક ડેબિટ કાર્ડ, એપલ કંપનીનું મોબાઇલ ચાર્જર, બ્લિંકિટ કંપનીનું મોબાઇલ ચાર્જર અને બેગાર કંપનીનો પાવર બેંક હતો. આ ત્રણેય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદાજિત કિંમત છ૬,૦૦૦ હતી.
ટ્રેન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પહોંચતાં જ સબ-ઇન્સ્પેક્ટર નટવરભાઈ સુમેરા અને કોન્સ્ટેબલ તરુણ કુમારે સંબંધિત કોચમાં તપાસ કરી હતી. કોચમાં તહેનાત ટિકિટ ચેકિંગ કર્મચારી સંદીપ કુમાર ગુપ્તાના સહયોગથી રોકડ અને અન્ય સામાન સહિતની બેગ મેળવી લેવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરને રેલવે સુરક્ષા બળ પોસ્ટ, સુરેન્દ્રનગર પહોંચીને પોતાનો સામાન મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી.
મુસાફર રેલવે સુરક્ષા બળ પોસ્ટ ખાતે પહોંચ્યા બાદ જરૂરી ચકાસણી અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી અને ઑપરેશન અમાનત હેઠળ બેગ, રોકડ તથા અન્ય સામાન સહિત તેમને સુરક્ષિત પરત સોંપવામાં આવી હતી.