BREAKING NEWS

જામનગરમાં વરસાદની સ્થિતિ સંદર્ભે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

  • September 08, 2026 10:13 AM 

જામનગરમાં વરસાદની સ્થિતિ સંદર્ભે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

પાણી વિતરણ, ઘાસચારાની વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપન મુદ્દે તાત્કાલિક નક્કર પગલાં લેવા સાંસદ દ્વારા અધિકારીઓને સૂચના અપાઈ

જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસામાં થયેલ નહિવત વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદે જિલ્લાના તમામ તાલુકાવાર વરસાદના આંકડા, પીવાના તથા સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને પશુઓ માટે ઘાસચારાની સુચારુ વ્યવસ્થા, જિલ્લામાં ઉપલબ્ધ ઘાસ ડેપોની સંખ્યા અને વિતરણ પ્રક્રિયા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં જળ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા અંગે દિશાસૂચન આપતા સાંસદે જણાવ્યુ હતું કે, દરેક ઘરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે પાણી ચોરી અટકાવવા, ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન તથા તેને સંલગ્ન યાંત્રિક સાધનોનું સત્વરે રીપેરિંગ કામ હાથ ધરવા અને જળ વ્યવસ્થાપન સાથે જોડાયેલી કચેરીઓમાં જરૂરિયાત મુજબ સ્ટાફની ફાળવણી કરવા ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત, જળાશયોમાંથી જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે તેની ગ્રામજનો અને ખેડૂતોને અગાઉથી જાણ કરીને જ યોગ્ય વિતરણ આયોજન અમલી બનાવવાની તાકીદ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સ્થાનિક ધારાસભ્યોતથા વિવિધ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ચેકડેમ, નવી પાઇપલાઇન, મોટર સહિતના યાંત્રિક સાધનોની ઉપલબ્ધિ અંગેના પ્રશ્નો સાંસદે સાંભળ્યા હતા અને તે અંગે સત્વરે સકારાત્મક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સાંસદે ચર્ચામાં લીધેલા તમામ મુદ્દાઓ પર વિલંબ વગર તાત્કાલિક નક્કર પગલાં ભરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, સિંચાઈ વિભાગ સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઈજનેર અને અધિક સચિવ એસ.જી.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, અગ્રણી બીનાબેન કોઠારી, ડો.વિનુભાઈ ભંડેરી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application