BREAKING NEWS

જામનગરમાં અખાધ ખોરાકનું દૂષણ બેફામ, શુઘ્ધ નાસ્તા-ભોજન સામે સવાલ..?

  • October 23, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અખાધ ખોરાકનું દૂષણ બેફામ, શુઘ્ધ નાસ્તા-ભોજન સામે સવાલ..?

બિમારીને આમંત્રણ: મહાપાલીકાની ફુડ શાખાએ ૮૨ પેઢીમાં ચેકીંગ કરી ૨૨૯ કીલો વાસી ખોરાક, ૩૦ કીલો દાઝીયા તેલનો સ્થળ પર નાશ કર્યો 

જામનગરમાં અખાધ ખોરાકના દૂષણે માઝા મૂકતા કયાં નાસ્તો અને ભોજન કરવું તે અંગે શહેરીજનો ભારે મૂંઝવણની સાથે ભય અનુભવી રહ્યા છે. કારણ કે, મહાનગરપાલીકાની ફુડ શાખાએ ૮૨ પેઢીમાં ચેકીંગ કરી ૨૨૯ કીલો વાસી ખોરાક અને ૩૦ કીલો દાઝીયા તેલનો સ્થળ પર નાશ કર્યો હતો. ૧૧ ધંધાર્થીઓને રૂ.૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે સાથે ૮ કીલો પ્રીન્ટેડ પસ્તીનો નાશ કરાયો હતો. ખાધપદાર્થોના ૫૮ નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 

જામનગરમાં જન આરોગ્ય સામે દીન-પ્રતિદીન જોખમ વધી રહ્યું છે. કારણ કે, શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની રેેંકડીઓ, દુકાનોમાં અખાધ ખોરાકના દૂષણે માઝા મૂકી છે. શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપાના કમિશ્ર્નરની સૂચનાથી ફુડ શાખાએ  શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને ફાસ્ટફૂડની લારીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ફુડ શાખાની ટીમોએ શહેરના લીમડા લાઇન, બેડેશ્વર, એરફોર્સ રોડ, અંબાજી ચોક, પટેલ કોલોની, પ્રદર્શન ગ્રાઉન્ડ,  જોગર્સ પાર્ક, નાગનાથ ગેટ, જુના રેલવે સ્ટેશન, રણજીતનગર, હરિયા કોલેજ, ટાઉનહોલ, ખંભાળિયા બાયપાસ સહિતના વિસ્તારોમાં કુલ ૮૨ પેઢીમાં તપાસ કરી ૨૨૯ કીલો વાસી ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કર્યો હતો. સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ ૧૧ પેઢીઓને કુલ રૂ. ૬૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદઉપરાંત કલરના ૧૩ પેકેટ તથા ૩ લિટર સુગર સીરપનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીપીસીનું પ્રમાણ ૨૫થી વધુ ધરાવતું આશરે ૩૦ કિલો વપરાયેલું તેલ અને ૮ કિલો પ્રિન્ટેડ પ્લાસ્ટિકનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ ૫૮ નમૂના લેવામાં આવ્યા છે, જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ફુડ શાખા દ્વારા સમાયતંરે કરવામાં આવતા ચેકીંગમાં શહેરમાં અનેક સ્થળો પરથી ભેળસેળયુકત અને વાસી ખોરાક મોટી માત્રામાં મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવે છે. ફુડ શાખા આ પેઢીઓને દંડ કરી સંતોષ માની લે છે. આ પેઢીઓ દ્વારા પુન: વાસી અને અખાધ ખોરાકનું વેંચાણ કરવામાં આવે છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ત્યારે કાયદાની છટકબારીને કારણે કે પછી કડક કાર્યવાહીના અભાવે અખાધ ખોરાકનું દૂષણ વધતું જાય છે તે તપાસનો વિષય બન્યો છે. અખાધ ખોરાકના કારણે શહેરીજનો જુદી-જુદી બિમારીઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ જ‚રી બન્યું છે.

શહેરની આ પેઢીઓમાંથી વાસી ખોરાક મળી આવતા દંડ ફટકારાયો
પેઢીનું નામ: પેનલ્ટી(રૂ.) અને ખોરાકનો નાશ
કે.જી.એન.ચીકન શોપ:૫૦૦૦
સંભાજી રેસ્ટોરન્ટ:૨૦૦૦
રઝા બેકરી:૧૦૦૦૦
સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ:૫૦૦૦
શ્રી ઝૂલેલાલ સ્વીટસ:૫૦૦૦
જય ભવાની ફરસાણ એન્ડ સ્વીટ:૫૦૦૦
વૈધનાથ અનાજ ભંડાર:૫૦૦૦
એકતા સ્વીટ એન્ડ ફરસાણ:૫૦૦૦
લક્ષ્મી ફરસાણ:૫૦૦૦
પ્રસાદમ રેસ્ટોરન્ટ:ગ્રેવી, ચણા, મગ, ઢોકળાનો નાશ 
૧૧:૧૧ કાફે:પાસ્તા, નુડલસ, ઢોકળા, સબ્જીનો નાશ
રઝા બેકરી: સેવ,બીસ્કીટ, સોનપાપડીનો નાશ
રાજેશ અરવિંદભાઇ ભદ્વા: સુગર સીરપનો નાશ
વાઇબ એન્ડ બાઇટસ: ૧૨ પેકેટ બ્રેડનો નાશ
ઉદય કેટરીંગ:૧ પેેકેટ કલરનો નાશ
ગૌર રેસ્ટોરન્ટ:૧૦ કીલો તેલનો નાશ
રંગતાલી નવરાત્રી: ફુડ સ્ટોલમાં ૫ કીલો રેડ સોસનો નાશ
દ્રારકેશ ડાયનીંગ હોલ:૫૦૦ ગ્રામ આટાનો નાશ
તાજ રેસ્ટોરન્ટ:૨ કીલો ચટણી, ૧ કીલો ચોખાનો નાશ
જગદીશ મનસુખલાલ સોમૈયા:મસાલા ચેવડો, બાજરો, ચટણીનો નાશ
ગરબા ટાઉન:ક્રીમ, બોઇલ પાસ્તાનો નાશ
રાસલીલા નવરાત્રી:૪૪ કીલો એનાલોગ ક્રીમનો નાશ
એકતા સ્વીટ એન્ડ ફરસાણ:ખમણ, વેજ-ઘીનો નાશ
હરીઓમ નમકીન:કેળા અને બટેટાની વેફરનો નાશ
ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ: ૨ કીલો સ્વીટનો નાશ
ગણેશ સ્વીટ એન્ડ નમકીન:૨૦ કીલો તેલનો નાશ
શિવાલય ડેરી: ગોળ, સીરપ, મસાલાનો નાશ
પટેલ ફરસાણ માર્ટ:૫ કીલો પ્રીન્ટેડ પસ્તીનો નાશ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application