જામનગરમાં અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક રાવણ દહન યોજાયું
જામનગરમાં અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક રાવણ દહન યોજાયું
October 21, 2026 10:14 AM
જામનગરમાં અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક રાવણ દહન યોજાયું
પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં મહાકાય પૂતળાંનું દહન: સાંસદ પૂનમબેન માડમ સહિત રાજકીય અગ્રણીઓ અને હજારો નગરજનો ઉપસ્થિત રહ્યા
જામનગર શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દશેરા પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા પરંપરાગત ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન આ કાર્યક્રમમાં જામનગરના સંતો-મહંતો, સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકીય અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
જામનગરમાં વિજયાદશમી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ પૂર્વે રામાયણનાં વિવિધ પાત્રોની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા મોડી સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં મહાકાય પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરનાં મેયર મોનિકાબેન વ્યાસ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સંતો-મહંતો તથા સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહનના આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારોની જનમેદની એકત્રિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં વિજયાદશમીના પર્વનો ઉત્સાહ અને પરંપરાગત ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.